Today Gujarati News (Desk)
શહેરનાં દશરથ વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠંડીમાં તાપણું કરીને સૂઇ ગયેલા દંપતીનું ગુંગળાઇ જવાને કારણે મોત નીપજ્યું છે. આ અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરનાં કરચિયા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા 49 વર્ષનાં વિનોદભાઇ ડાહ્યાભાઇ સોલંકી રણોલીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનું બીજું ઘર દશરથ ગામથી આજોડ ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ક્રિષ્ણાવેલી સોસાયટીમાં છે. તેઓ આ ઘરમાં પણ અવરજવર કરતા હોય છે.
વિનોદભાઇ અને તેમના પત્ની ઉષાબેન ક્રિષ્ણાવેલી સોસાયટીના ઘરમાં સૂવા માટે આવ્યા હતા. જ્યાં તેમને ઘણી ઠંડી લાગી રહી હતી. જેથી તગારામાં કોલસા ભરીને તાપણું કર્યું હતુ. જોકે, ચાલું તાપણામાં જ દંપતીની આંખ લાગી ગઇ અને તેઓ સૂઇ ગયા હતા.
બીજા દિવસે સવારે તેમના દીકરાએ માતાપિતાને ફોન કર્યો હતો. પરંતુ તે બેમાંથી એકપણ લોકોએ ઉપાડ્યો ન હતો. જેથી મોટો પુત્ર તે ઘરમાં જ તપાસ કરવા માટે આવ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવતા માતા પિતાએ દરવાડો ખોલ્યો ન હતો. જેથી મકાનનાં પાછળનાં દરવાજાની સાંકળ ખોલીને તેઓ અંદર ગયા હતા. અંદર જઇને ઉપરનાં બેડરૂમમાં જઇને તપાસ કરી તો દરવાજો અંદરથી બંધ હતો જેથી જોર લગાવીને દરવાજો ખોલ્યો હતો. જોકે, અંદરનું દ્રશ્ય જોતા જ દીકરાને માતાપિતાનાં મૃતદેહ દેખાયા હતા.
જે બાદ આ અંગે છાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી રહ્યા છે. મૃતક માતા-પિતાનાં મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસને રૂમમાંથી કોઇ દવા કે અંતિમ ચિઠ્ઠી મળી નથી.પોલીસનું અનુમાન છે કે,રાતે કોલસાની સગીડી ચાલુ રાખીને તેઓ સૂઇ ગયા હતા. જેના કારણે રૂમના બારી બારણા બંધ હોવાથી ઝેરી વાયુની અસરના કારણે ગૂંગળાઇ જવાથી તેઓના મોત નિપજ્યા હોવાની શક્યતા સેવાઇ રહી છે.