Today Gujarati News (Desk)
વાપીના ગુંજન વિસ્તારમાં આજે સોમવારે ધોળે દહાળે બાઇક પર આવેલા બે શખ્સો રૂ.8.70 લાખ ભરેલી બેગની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. કોન્ટ્રાક્ટર અને કર્મચારી બેંકમાંથી નાણા ઉપાડી અન્ય બેંકમાં બાઇક પર જતી વેળા રસ્તામાં બે બાઇક સવારે આતરી એક કર્મચારીને જમીન પર પટકાવી ખેલ કરી ભાગી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ચોમેરે નાકાબંધી ગોઠવી દીધી હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના છીરી ગામે વલ્લભનગરમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટર હેમંત પ્રજાપતિ અને કર્મચારી આજે સોમવારે બાઇક પર ગુંજન વિસ્તારમાં આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં નાણાં ઉપાડવા ગયા હતા. બેંકમાંથી હેમંત પ્રજાપતિએ કામદારોને પગાર કરવા રોકડા રૂ.8.70 લાખ ઉપાડ્યા હતા. નાણાં બેગમાં ભરી હેમંત કર્મચારી સાથે અન્ય બેંકમાં જવા નિકળ્યા હતા. તે દરમિયાન ઉપાસના સ્કુલ નજીક પાછળથી કાળા કલરની બાઇક પર આવેલા બે શખ્સોએ બાઇક સવાર કર્મચારીને નીચે પાડી દીધા બાદ તેની પાસેથી રોકડા નાણાં ભરેલી બેગ લૂંટી ભાગ ગયા હતા.
ઘટનાને લઇ હેમંત પ્રજાપતિએ ભારે બુમાબુમ મચાવી બન્ને બાઇક સવારનો પીછો કયોઁ પણ કોઇ સફળતા મળી ન હતી. લૂંટની ઘટનાને પગલે લોકો દોડી ગયા હતા. હેમંત પ્રજાપતિએ પોલીસને જાણકારી આપતા પી.આઇ. બી.જે.સરવૈયા અને ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા. આરોપીને પકડવા પોલીસે નાકાબંધી ગોઠવી દીધી હતી. વાપી શહેરમાં ધોળે દહાળે લૂંટની બનેલી ઘટનાને પગલે વેપારી સહિત લોકોમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસે આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચકાસણી હાથ ધરી હતી.