Today Gujarati News (Desk)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે તેમના એક નિવેદનમાં સંસદમાં કેન્દ્રીય બજેટ અંગે ચર્ચા ન થવા મામલે નારાજગી વ્યક્ત કરી હતી. હવે નિર્મલા સીતારમણના નિવેદન પર પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે વળતો પ્રહાર કર્યો હતો અને આકરો કટાક્ષ પણ કર્યો છે. ચિદમ્બરમે આક્ષેપ કર્યો કે ભારતના સંસદીય ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે સત્તા પક્ષે સંસદમાં હોબાળો કર્યો અને સંસદની કાર્યવાહી ન ચાલવા દીધી.
પૂર્વ નાણામંત્રીના આકરા પ્રહાર
પી.ચિદમ્બરમે ટ્વિટ કરતાં લખ્યું કે માનનીય નાણામંત્રી કહી રહ્યા છે કે સંસદમાં બજેટ અંગે કોઈ ચર્ચા ન થઈ પણ બજેટને ચર્ચા વિના મંજૂર કરવા માટે પણ જવાબદાર કોણ છે? ભારતના સંસદીય ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સત્તા પક્ષે હોબાળો કર્યો અને સંસદમાં ચર્ચા ન થવા દીધી. એક અન્ય ટ્વિટમાં પી.ચિદમ્બરમે કહ્યું કે વર્લ્ડ બેન્ક અનુસાર મોદી સરકારનો ૫ વર્ષ (2019-24)નો સરેરાશ વિકાસ દર 4.08 ટકા રહેશે. એટલું જ નહીં કોરોના પ્રભાવિત વર્ષ બાદથી સતત વાર્ષિક દરમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ફક્ત સરકાર જ વિકાસ દર અંગે શેખી મારી રહી છે. તેણે આ બંધ કરવું જોઇએ. તેની પોલ ખુલી ગઈ છે.
નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત કરી હતી
ઉલ્લેખનીય છે કે સત્તા અને વિપક્ષના હોબાળાને કારણે બજેટ સત્રના બીજા તબક્કામાં ગૃહની કાર્યવાહી થઈ શકી રહી નથી. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના એક નિવેદનમાં સંસદમાં બજેટ અંગે ચર્ચા ન થવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સંસદમાં બજેટ અંગે ચર્ચા ન થઈ પણ જો ચર્ચા થઈ હોત તો અમને અર્થતંત્રના અનેક સકારાત્મક પાસાઓને જણાવવાની તક મળી હોત.