Today Gujarati News (Desk)
ભાવનગર ડમી ઉમેદવારકાંડમાં યુવરાજસિંહને પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જોકે તબિયત ખરાબ થવાના કારણે યુવરાજસિંહ જવાબ રજૂ કરવા જઇ શક્યા ન હતા. આવતીકાલે પોલીસ સમક્ષ જવાબ રજૂ કરવા જવાના છે. તે પહેલા તેમણે એક પત્રકાર પરિષદ મારફતે ધો. 12ની પરીક્ષાના ડમી ઉમેદવાર અંગે ઘટસ્ફોટ કર્યો હતો તે ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે, આવતી કાલે પોલીસ સમક્ષ અને મોટા નેતાઓ અને મંત્રીઓના નામનો ખુલાસો કરવાનો છું.
આવતી કાલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થઈશ: યુવરાજસિંહ
વધારે વાતચિતમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, મે કોઇપણ પ્રકારની માહિતી છૂપાવી નથી. હું આવતી કાલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાનો છું અને પોલીસને તમામ પ્રકારનો સહયોગ આપીશ. કાલે હું પોલીસને મોટા માથાઓ, મોટા નેતાઓ અને મંત્રીઓના નામ આપીશ. જે પ્રકારે અમારા નિવેદન લેવામાં આવી રહ્યાં છે. તે રીતે આ નેતાઓના પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવે.
મારી પાસે 17 વીડિયો સાથે તમામ આધાર પુરાવા છે : યુવરાજસિંહ
યુવરાજસિંહે જણાવ્યું હતું કે ડમીકાંડ મામલે મારી પાસે 17 વીડિયો સાથે તમામ આધાર પુરાવા છે. મને ખોટી રીતે ફસાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ પોલીસ આરોપીને સાક્ષી બનાવી રહી છે. ત્યારે યુવરાજસિંહે કહ્યું હતું કે, મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ રહી છે.