Today Gujarati News (Desk)
ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ, વીજળી પરિયોજનાઓ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થવાની હતી. પરંતુ તે પહેલાં જ કોંગ્રેસના સભ્યોએ કાળા કપડાં પહેરીને ગૃહમાં આવતાં જ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યો રાહુલ ગાંધીને લઈને વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. જેથી તેમને સત્ર સમાપ્ત થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતાં.
ઋષિકેશ પટેલની દરખાસ્તને બળવંતસિંહનું સમર્થન
સંસદિય મંત્રી ઋષિકેશ પટેલે દરખાસ્ત કરી હતી કે, વિધાનસભાના સત્રના અંત સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે. તેમની આ દરખાસ્તને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સમર્થન આપ્યું હતું. ગૃહમાં અધ્યક્ષે કહ્યું હતું કે, લોકસભામાં કરવામાં આવેલા નિર્ણયની ચર્ચા કે વિરોધ વિધાનસભા ગૃહમાં ના થઈ શકે. આખરે તમામ ધારાસભ્યોને સત્રના અંત સુધીમાં સસ્પેન્ડ કરી દેવાયા હતાં.
સત્ર શરૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યો કાળા કપડાં પહેરીને વિરોધ કરી રહ્યાં હતાં. રાહુલ ગાંધી મુદ્દે પ્લે કાર્ડ લઈને ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યો હતો. ગૃહમાં હોબાળો થતાં જ અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતાં. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં રાહુલ ગાંધીને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. બીજી તરફ અદાણી મુદ્દે વિપક્ષી દળના સાંસદોએ કાળા કપડાં પહેરી પોસ્ટર સાથે સંસદ ભવનમાં વિરોધ કર્યો હતો. જેના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.