Today Gujarati News (Desk)
અમદાવાદ : વિનોદ અદાણી એક તરફ વિદેશમાં કંપનીઓ ધરાવે છે અને વિદેશી કંપનીઓના માધ્યમથી ભારતમાં અદાણી જૂથની કંપનીઓ સાથે સીધી નાણાકીય લેવડદેવડ પણ થઈ રહી છે. વિનોદ અદાણી જૂથની કંપનીઓમાં નાણા ઠાલવી રહ્યા છે તે છતાં ગૌતમ અદાણી તેની સાથે કોઈ સંબંધ નથી એવો બચાવ કરે છે તે બાબતે ચર્ચા જાગી છે. સેબીના દસ્તાવેજો પ્રમાણે ગૌતમ અદાણી, વિનોદ અદાણી અને રાજેશ અદાણી ‘અદાણી એન્ટરપ્રાઈઝ’ના માલિક અને પ્રમોટર છે. સાયપ્રસનો પાસપોર્ટ ધરાવતા વિનોદ અદાણી દુબઈમાં રહીને ભારત સ્થિત અદાણી જૂથને ફાયદો કરાવી રહ્યા છે અને હિન્ડનબર્ગે રજૂ કરેલા અહેવાલમાં એની ભૂમિકા સૌથી શંકાસ્પદ ગણાવાઈ છે.
હિન્ડેનબર્ગમાં વિનોદ અદાણીના નામનો ઉલ્લેખ ૧૫૪ વખત કરાયો છે, જ્યારે ગૌતમ અદાણીનો ઉલ્લેખ ૫૦ વખત થયો છે. તે પરથી હિન્ડેનબર્ગ સાબિત કરવા માગે છે કે આખા આર્થિક વહીવટમાં વિનોદ અદાણી માસ્ટરમાઈન્ડ છે.
ગૌતમ અદાણી જૂથ દ્વારા તેના બચાવમાં એવો કક્કો ઘૂંટવામાં આવી રહ્યો છે કે જૂથની ભારતની કંપનીઓને વિનોદ અદાણી સાથે કોઈ સંબંધ નથી. જોકે દસ્તાવેજી પુરાવાના આધારે ચોક્કસ પુરવાર થાય છે કે સાયપ્રસનો પાસપોર્ટ અને દુબઈમાં નિવાસ ધરાવતા અદાણી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની થકી નાણાકીય વ્યવહારો કરતા વિનોદ અદાણી હકીકતે ભારતની કંપનીઓના પ્રમોટર છે. ભારતની લીસ્ટેડ કંપનીઓના શેરમાં પણ તેમનો પ્રમોટર તરીકે એક મોટો હિસ્સો છે.હિન્ડેનબર્ગના અને એ પછી ફોર્બ્સના બન્ને અહેવાલ વિનોદ અદાણી ગુ્રપ વતી વિદેશમાં સેકડો કંપનીઓ ચલાવે છે. ટેક્સ હેવનમાં કંપનીઓ ચલાવે છે અને વિનોદ અદાણીની કંપનીઓ વતી મોટાભાગના નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે. જોકે, વિનોદ અદાણીની ભૂમિકા અંગે ભારતમાં કંપની સંપૂર્ણ મૌન છે. એ સ્વીકારવા જ તૈયાર નથી કે વિનોદ અદાણી પ્રમોટર જૂથના સભ્ય છે. વિનોદ અદાણી અંગે મૌન ધારણ કરી અદાણી જૂથ શું છુપાવવા માંગે છે તે રહસ્યમય ઘેરું બન્યું છે.