Today Gujarati News (Desk)
ટ્વિટરે તેની નવી પોલિસી હેઠળ બીબીસીને સરકારી મીડિયા ગણાવતા ગોલ્ડન ટિક આપી છે. રર લાખ ફોલોવર ધરાવતા બીબીસીના ટ્વિટર હેન્ડલ પર તમને હવે સરકારના ફંડ દ્વારા સંચાલિત મીડિયા લખેલું દેખાશે. બીબીસીએ તેનો વિરોધ કર્યો હતો. બીબીસીએ કહ્યું કે આ મુદ્દાને જલદીથી જલદી ઉકેલવા માટે ટ્વિટર સાથે વાતચીત ચાલી રહી છે.
બીબીસીએ શું કહ્યું
બીબીસીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે અમે આ મુદ્દાને જલદીથી જલદી ઉકેલવા માટે ટ્વિટર સાથે વાતચીત કરી રહ્યા છીએ. બીબીસી સ્વતંત્ર છે અને હંમેશા રહેશે. અમે બ્રિટિશ જનતા દ્વારા લાઇસન્સ ચાર્જના માધ્યમથી ફંડ મેળવીને સંચાલન કરીએ છીએ. ૧૯૨૭ બાદથી બીબીસીએ યુકે સરકાર સાથે સહમત એક રોયલ ચાર્ટલના માધ્યમથી તેની કંપની ચલાવી છે. ચાર્ટરનું માનવું છે કે બીબીસીને સંપાદકીય અને અન્ય સંપાદકીય નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હોવું જોઈએ.
જુઓ કોને કોને સરકારી મીડિયા જાહેર કર્યા
બીબીસી ઉપરાંત અમેરિકાના નેશનલ પબ્લિક રેડિયો(NPR)સાથે પણ ટ્વિટરે આવું જ કર્યું છે. યુએસ પબ્લિક બ્રોડકાસ્ટરને સરકાર સાથે સંબંધિત મીડિયા ગણાવી દીધું છે. આ ઉપરાંત રશિયાના આરટી અને ચીનના સિન્હુઆ ન્યૂઝને પણ આ કેટેગરીમાં રખાયા છે.