Today Gujarati News (Desk)
અમેરિકાની એક રિસર્ચ ફર્મ હિંડનબર્ગના તાજેતરના એક અહેવાલથી એશિયાના સૌથી ધનિક અને દુનિયામાં ધનિકોની યાદીમાં ચોથા ક્રમે સ્થાન મેળવનારા ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું છે. ગૌતમ અદાણીની માલિકી હેઠળના અદાણી ગ્રૂપમાં સામેલ કંપનીઓના શેરોમાં આ રિપોર્ટને કારણે મોટો કડાકો બોલાયો છે. તેના લીધે અદાણી પણ હવે વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં ચોથેથી સીધા 7મા સ્થાને સરકી ગયા છે. તો જાણીએ આખરે આ હિંડનબર્ગ રિસર્ચ કંપની છે શું અને તેનું કામ શું છે… શા માટે તેનો રિપોર્ટ આટલો મહત્વનો ગણાય છે… જાણો સંપૂર્ણ માહિતી સરળ શબ્દોમાં…
હિંડનબર્ગ કંપનીની સ્થાપના ક્યારે અને કોણે કરી?
હિંડનબર્ગ એક અમેરિકી રિસર્ચ ફર્મ છે. તેની સ્થાપના નાથન એન્ડરસને કરી હતી. યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટથી ઈન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવનારા એન્ડરસને એક ડેટા કંપની ફેક્ટસેટ રિસર્ચ સિસ્ટમ્સ ઈંકથી કારકિર્દી શરૂ કરી હતી. અહીં તેમનું કામ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીઓથી સંબંધિત હતું. પછી તેમણે 2017માં પોતાની શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ શરૂ કરી હતી. નાથન એન્ડરસન પહેલા ઈઝરાયલમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર રહી ચૂક્યા છે. તે હેરી માર્કપોલોસને રોલ મોડેલ માને છે જે એક એનાલિસ્ટ છે અને બર્ની મેડોફની ફ્રોડ સ્કીમનો પર્દાફાશ કરવા માટે વખણાય છે.