Today Gujarati News (Desk)
ટીમ ઈન્ડિયાએ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની છેલ્લી અને નિર્ણાયક ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રને હરાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 66 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાની આ જીતનો હીરો 23 વર્ષીય શુભમન ગિલ હતો. વન-ડેમાં છેલ્લી 4 મેચમાંથી 3 મેચમાં સદી ફટકારનાર ગિલ પહેલી 2 T20 મેચમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહિ, જોકે તેણે ત્રીજી T20માં સદી ફટકારી હતી. તેણે 126* રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
ગિલ આ સાથે જ ભારત તરફથી T20માં મેચમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની ગયો છે. તેણે આ મામલે વિરાટ કોહલી (122 રન)નો રેકોર્ડ તોડ્યો છે.
ત્રીજી T20માં ગિલ અને ટીમ ઈન્ડિયાએ બનાવેલા અન્ય ખાસ રેકોર્ડ્સ વિશે પણ જાણીએ…
સૌથી પહેલા જુઓ ગિલના રેકોર્ડતોડ ઇનિંગ વિશે…
T20માં ભારત તરફથી યુવા વયે સદી ફટકારી
શુભમન ગિલ હવે T20 ફોર્મેટમાં ભારત તરફથી સૌથી યુવા વયે સદી ફટકારનાર પ્લેયર બની ગયો છે. તેણે આ મામલે સુરેશ રૈનાનો રેકોર્ડ તોડ્યો છે. ગિલે 23 વર્ષ અને 146 દિવસે સદી ફટકારી દીધી છે.
ટીમ ઈન્ડિયા તરફથી અત્યારસુધીમાં 13 સદી
શુભમન ગિલે ગઈકાલે T20 મેચમાં 126* રન બનાવતાંની સાથે જ ભારતીય બેટર્સનો T20માં 13મો સદીવીર બની ગયો છે. આ લિસ્ટમાં રોહિત શર્મા સૌથી આગળ છે. તેણે કુલ ચાર સેન્ચુરી ફટકારી છે. ઓવરઓલ ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ગિલ 14મો ભારતીય બેટર બની ગયો છે. વુમન્સ ક્રિકેટમાંથી હરમનપ્રિત કૌરે પણ સદી ફટકારી છે.