Today Gujarati News (Desk)
ફિલ્મ અભિનેતા અને પંજાબના ગુરુદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનું સભ્યપદ રદ કરવા લોકસભાના સ્પીકરને પત્ર લખાયો છે. ગુરુદાસપુરના મોહલ્લા સંત નગરના રહેવાસી અમરજોત સિંહે લોકસભા સ્પિકર ઓમ બિરલાને પત્ર લખી સની દેઓલનું સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. અમરજોત સિંહે પત્રમાં લખ્યું છે કે, સની દેઓલ લગભગ ચાર વર્ષથી તેમના લોકસભા ક્ષેત્રમાં દેખાયા નથી. ગુરુદાસની જનતાએ મોટી અપેક્ષાઓ સાથે તેમને મત આપી ચૂંટ્યા હતા.
અમરજોતે લખ્યું છે કે, સની દેઓલ ગુરુદાસપુરની જનતાની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ ગયા છે. તેમણે માંગ કરી છે કે, આવા બેજવાબદાર લોકસભાના સભ્યને પદ પર રહેવાનો અધિકાર નથી તેમજ સરકારી પગાર, ભથ્થા અને સરકારી સુવિધાઓ પ્રાપ્ત કરવાનો પણ અધિકાર નથી. અમરજોતે સની દેઓલનું લોકસભાનું સભ્યપદ, તમામ સરકારી સુવિધા, પગાર-ભથ્થાં બંધ કરવાની સ્પિકર સમક્ષ માંગ કરી છે.ઉલ્લેખનિય છે કે, સની દેઓલ ગુરુદાસપુર પુરની બેઠક પરથી ચૂંટણી જીતી સાંસદ બન્યા, જોકે તેમના સાંસદ બન્યા બાદ ગુરુદાસપુરમાં જોવા ન મળતા હોવાનો વિરોધ સામે આવ્યો હતો. સની દેઓલ લાપતા હોવાના પોસ્ટરો પણ ગુરુદાસપુરમાં લાગ્યા છે. જે અંગે રાષ્ટ્રપતિને પણ ગત દિવસોમાં કોઈકે પત્ર લખ્યો હતો. કોઈ વ્યક્તિએ રાષ્ટ્રપતિને પત્ર લખી સની દેઓલનું લોકસભા સભ્યપદ રદ કરવા માંગ કરી હતી. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2019માં ભાજપની ટિકિટ પર સની દેઓલ ગુરુદાસપુરની બેઠક પરથી સાંસદ બન્યા હતા. સની દેઓલ તેમની અપકમિંગ ફિલ્મ ગદક એક પ્રેમ કથા-2ના પ્રમોશમાં વ્યસ્ત છે.
સુજાનપુરમાં પણ ‘સની દેઓલ લાપતા’ના લાગ્યા હતા પોસ્ટર
ગત જાન્યુઆરીમાં પણ સની દેઓલ ગુમ થયા હોવાના સુજાનપુરમાં પોસ્ટરો લાગ્યા હતા. તેમના લોકસભા મતવિસ્તાર ગુરદાસપુરમાં તેઓ ન આવતા હોવાનો આક્ષેપ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સની દેઓલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન પ્રવક્તા સાહિબ સિંહ સબાએ જણાવ્યું હતું કે, 4 વર્ષ પહેલા સની દેઓલ ગુરદાસપુર લોકસભા બેઠક પરથી જીત્યા હતા અને ત્યારથી તેઓ લાપતા થઈ ગયા છે. સુજાનપુરના સાંઝા ચુલ્લાથી માધોપુર વાયા ગુગરાન, ફિરોઝપુર, સિટી છન્ની, બેહાડિયન સુધી 8 કિ.મી. લાંબા રોડનું 6.5 કરોડના ખર્ચે 2021માં નિર્માણ કરાયું હતું. તત્કાલિન ભાજપના ધારાસભ્યએ તેમનું નામ અને સની દેઓલનું નામ શિલાન્યાસ પર લખાવ્યું હતું, પરંતુ એક વર્ષ વિતવા છતાં પણ કામ પૂર્ણ થઈ શક્યું ન હતું. જે લોકોના નામ શિલાન્યાસ પર લખેલા છે તે બધા લાપતા છે. સંસદમાં ગુરદાસપુર, પઠાણકોટનો મુદ્દો ઉઠાવવાને બદલે સાંસદ ફિલ્મ ‘ગદર-2’ બનાવવામાં વ્યસ્ત છે.
જુલાઈ-2022માં પણ સની દેઓલ લાપતા હોવાનો પોસ્ટર લાગ્યા હતા
ઉલ્લેખનિય છે કે જુલાઈ-2022માં પણ અભિનેતા સાંસદ સની દેઓલ તેમના મત વિસ્તારમાં લાપતા હોવાનાં પોસ્ટર લાગ્યાં હતા. અભિનય બાદ સંસદસભ્ય બનવાની સાથે આ મુદ્દે પણ સનીએ ધર્મેન્દ્રનો વારસો નિભાવ્યો હતો, કારણ કે તેમના માટે પણ આવાં પોસ્ટર લાગ્યાં હતાં. મતદારોની ફરિયાદ હતી કે, સની મત વિસ્તારમાં ભાગ્યે જ દેખાય છે, તે મોટાભાગના સમયે મુંબઈમાં જ રહે છે. સાંસદ તરીકે જિલ્લા કક્ષાની મીટિંગમો હાજરી આપતા નથી. સનીએ છેલ્લે સપ્ટેમ્બર 2020માં મત વિસ્તારમાં હાજરી પુરાવી હતી તે પછી બે વર્ષથી તે ગાયબ છે. આથી નારાજ લોકોએ પઠાણકોટનાં રેલવે સ્ટેશનની દિવાલો અન્ય જાહેર સ્થળો અને ત્યાં સુધી કે વાહનો પર પણ ‘ગુમશુદાની તલાશ’ એવું લખેલાં સની દેઓલનાં ફોટા સાથેનાં પોસ્ટર લગાડયાં હતા. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર જ્યારે બિકાનેર લોકસભામાંથી ચૂંટાયા હતા ત્યારે તેમના માટે પણ આ જ પ્રકારનાં પોસ્ટર લાગ્યાં હતાં.