Today Gujarati News (Desk)
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબથી કાર રેલીને લીલી ઝંડી બતાવી હતી. સંસદસભ્યો ઉપરાંત સંરક્ષણ અને અર્ધ સૈન્ય બળના અધિકારીઓ, ઉદ્યોગ તેમજ વિવિધ ક્ષેત્રના લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. આ વર્ષની કાર રેલીનો વિષય ‘રોડ સેફ્ટી’ હતો. કાર્યક્રમની શરૂઆતમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા ભૂતપૂર્વ સંસદસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે ઓમ બિરલાએ કહ્યું કે, ‘દેશમાં રોડ નેટવર્કની લંબાઈ અને ગુણવત્તામાં અભૂતપૂર્વ વધારો થયો છે. તેમજ દેશમાં હાઈવે અને રસ્તાઓની સંખ્યા, લંબાઈ અને ગુણવત્તામાં પણ વધારો થઈ રહ્યો છે. જ્યાં મિશન ગતિ શક્તિ દ્વારા લોકોના સામાજિક અને આર્થિક જીવનમાં ઐતિહાસિક પરિવર્તનો આવ્યા છે, ત્યાં જ રોડ એક્સિડેન્ટની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ઓમ બિરલાએ જણાવ્યું કે, ‘આપણા દેશમાં દર વર્ષે 4 લાખથી વધુ અકસ્માત થાય છે તેમજ દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો આ એક્સિડેન્ટમાં મૃત્યુ પામે છે. એક વર્ષના રોડ અકસ્માતનું જો આર્થિકરીતે મૂલ્યાંકન કરવામાં આવે તો તે ભારતની GDPના લગભગ 1 ટકા જેટલું હશે.
તેમણે કહ્યું હતું કે, ‘રોડ અકસ્માતથી પરિવાર, સમાજ અને દેશ બધાને નુકસાન થાય છે. રોડ સેફ્ટી પર બોલતા ઓમ બિરલાએ કહ્યું કે, ‘ટ્રાફિકના નિયમો, રસ્તા પર ચાલવા સાથે જોડાયેલી બાબતો દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ તેઓ તેનું પાલન કરતા નથી. જો આપણે નાની નાની બાબતો પર ધ્યાન આપીશું, ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું, તો આપણે પોતાને પણ સુરક્ષિત રાખીશું તેમજ રસ્તા પર ચાલતા અન્ય લોકોને પણ સુરક્ષા આપી શકીશું.’રોડ સેફ્ટીના ચાર સ્તંભ એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને ઈમરજન્સી કેરનો ઉલ્લેખ કરતાં ઓમ બિરલાએ કહ્યું કે આ દિશામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણા નાગરિકો આ વિષય પ્રત્યે જાગૃત હોવા જોઈએ. સરકારો નિયમો બનાવી શકે છે. પરંતુ તેમને અનુસરવાની જવાબદારી જનતાની છે. રોડ સેફટી માટે જાહેર જનતાની અને ખાસ કરીને યુવાનોની માનસિકતા બદલવી પડશે.
તેમણે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને અન્ય લોકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવા વિનંતી કરી હતી. ઓમ બિરલાએ આશા વ્યક્ત કરી કે કાર રેલી જેવા આયોજનો લોકોમાં વધુ જાગૃતિ લાવશે અને રોડ સેફટીની ગંભીર સમસ્યાને હલ કરવામાં પણ મદદ કરશે. આ સાથે આ રેલી દ્વારા સરકારના પ્રયાસોને પ્રોત્સાહન મળશે અને રોડ સેફટીનો સકારાત્મક સંદેશ આખા દેશમાં જશે. કાર્યક્રમની શરૂઆતમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા ભૂતપૂર્વ સંસદસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.