Today Gujarati News (Desk)
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થઇ રહી છે. ત્યારે સુરતમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે. આ સાથે જ હેવી ટ્રાફિકના સંજોગોમાં સમયસર મદદ મળી રહે એ માટે હેલ્પલાઇન નંબર 74340 955555 પણ જાહેર કરવામાં આવ્યો છે.
શહેર પોલીસની ટ્રાફિક શાખાએ જણાવ્યુ હતુ કે, 14 મી માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. શહેરમાં હાલ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે,જેથી ઘણા વિસ્તારોમાં રસ્તાઓ બંઘ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ખાસ કરીને રેલવે સ્ટેશન અને કોટ વિસ્તારમાં આ સ્થિતિ છે.ઘણા વિદ્યાર્થીઓ સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડથી સીટી બસનો ઉપયોગ કરી પરીક્ષા આપવા જતાં હોય છે. જેથી આ વિદ્યાર્થીઓને સમસ્યા ન થાય અને યોગ્ય રીતે પરીક્ષા આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે,શહેરના સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વિશેષ રહેતી હોવાથી અહીં 18 પોલીસ કર્મચારીઓ અને 78 TRB જવાનોને ફરજ પર તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીગેટથી ભાગળ તરફના માર્ગે મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો સ્ટેશનનું કામ ચાલુ હોવાથી આ રસ્તો બંધ કરાયો છે. જેથી અહીંના ટ્રાફિક માટે ઝાંપાબજાર, ગલેમંડી તરફ ડાયવર્ઝન અપાયું છે. આ કોટ વિસ્તારમાં રસ્તાઓ નાના હોવાથી ટ્રાફિક જામ થવાની શક્યતા રહે છે. આ જોતા અહીં 8 પોલીસ કર્મચારીઓ અને 36 ટીઆરબી જવાનોને ટ્રાફિક નિયમન માટે ફરજ સોંપાશે.