Today Gujarati News (Desk)
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ ગયું છે. આજે રાષ્ટ્રપતિ મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. જે બાદ હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે 1 વાગ્યે આર્થિક સર્વે રજૂ કરશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠકો થશે.
સંસદમાં સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ પર કઠોર હુમલા સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી, કલમ 370 હટાવવાથી લઈને ટ્રિપલ તલાક સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે.ભારત કોવિડ દરમિયાન ગરીબી રેખા નીચે આવતા કરોડો લોકોને બચાવવામાં સફળ રહ્યું
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, સંપૂર્ણ પારદર્શિતા સાથે કરોડો લોકોને 27 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે. વિશ્વ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે આવી યોજનાઓ અને પ્રણાલીઓથી ભારત કોવિડ દરમિયાન ગરીબી રેખા નીચે આવતા કરોડો લોકોને બચાવવામાં સફળ રહ્યું હતું.
હવે ટેક્સ રિફંડ આપોઆપ આવે છે – રાષ્ટ્રપતિ મુર્મુ
અગાઉ ટેક્સ રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી. આજે ITR ફાઇલ કર્યાના થોડા દિવસોમાં રિફંડ મળી જાય છે. આજે GSTમાં પારદર્શિતાની સાથે કરદાતાઓની ગરિમા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.