Today Gujarati News (Desk)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિગ્વિજય સિંહ દ્વારા પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક પર અપાયેલા નિવેદન અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ દિગ્વિજયસિંહ ભોંઠા પડ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ભારતીય સેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. દેશની સેના કોઈપણ ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી. એટલું જ નહીં રાહુલે કહ્યું કે, દિગ્વિજયસિંહ પક્ષની ઉપર નથી.
દરમિયાન કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણા CRPFના 40 જવાનો પુલવામામાં શહિદ થયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અનુરોધ કર્યો હતો કે, તમામ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે, જોકે પીએમ મોદી ન માન્યા. આવી ભૂલ કેવી રીતે થઈ ગઈ ? તેમણે કહ્યું, આજસુધી સંસદ સમક્ષ પુલવામા હુમલા અંગે કોઈ અહેવાલ રજુ કરાયો નથી. તેમણે દાવો કર્યો હતો કે, સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ, પરંતુ પુરાવા બતાવ્યા નહીં. આ (ભાજપ) માત્ર અસત્ય ફેલાવે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, આ દિગ્વિજય સિંહનું અંગત નિવેદન
હાલમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં છે. રાહુલ ગાંધીએ જમ્મુમાં પ્રેસ કોન્ફરન્સ કરી તમામ બાબતો પર પોતાની વાત સામે રાખી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને દિગ્વિજય સિંહના નિવેદન અંગે પ્રશ્ન કરાયો તો તેમણે કહ્યું કે, આ દિગ્વિજય સિંહનું અંગત નિવેદન છે. હું તેમના નિવેદનથી સહમત નથી. મને દેશની સેના પર સંપૂર્ણ વિશ્વાસ છે.
કોંગ્રેસે કહ્યું, દિગ્વિજયનું નિવેદન તેમના અંગત વિચાર
સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલો કરનાર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ ઘેરાઈ ગયા છે. કોંગ્રેસે પણ દિગ્વિજયના નિવેદનને સમર્થન આપ્યું ન હતું. પક્ષના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, દિગ્વિજય સિંહની ટિપ્પણી તેમના અંગત વિચાર છે અને તેમના નિવેદનને પક્ષ સમર્થન આપતી નથી. યુપીએ સરકાર દ્વારા 2014 પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ હતી. લશ્કરી કાર્યવાહી જે રાષ્ટ્રીય હિતમાં છે, કોંગ્રેસે તમામને સમર્થન આપ્યું છે અને સમર્થન આપતું રહેશે.
રવિશંકર પ્રસાદે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસની ટીકા કરી
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વારંવાર સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ એ દિગ્વિજય સિંહ છે, જેમણે બાટલા હાઉસ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીને મારો પ્રશ્ન છે કે, જે લોકો તમારી સાથે ચાલી રહ્યા છે, તેઓ દેશ તોડવામાં લાગ્યા છે અને તમે ચૂપ કેમ છો? તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નેતાઓના આ નિવેદનથી આતંકના માસ્ટરમાઈન્ડનું મનોબળ વધે છે. શું આ ભારત જોડો યાત્રા છે કે ‘ભારત તોડો યાત્રા… પ્રસાદે વધુમાં જણાવ્યું કે, આ ખૂબ જ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ નિવેદન છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ માફી માંગવી પડશે. દિગ્વિજય સિંહ કોઈ સામાન્ય નેતા નથી, તેઓ દસ વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે, મહાસચિવ પણ રહ્યા છે. તમે દેશની સેનાનું અપમાન ન કરો.