Today Gujarati News (Desk)
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો… ઈન્ટરવ્યૂ દરમિયાન લોરેન્સે મોટા ખુલાસાઓ કર્યા અને તેણે સલમાન ખાનને ફરી ધમકી આપી છે. સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં લોરેન્સે કહ્યું કે, સલમાન ખાનનો ઘમંડ તોડીને રહીશું. તેણે અમારા સમાજને નીચે દેખાડ્યો છે. અમારા સમાજમાં વૃક્ષ, પાંદડા અને જીવ-જંતુઓને લઈને ઘણી માન્યતા છે. સલમાને અમારા સમાજનું અપમાન કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, સૌથી સામે આવીને તે માફી માંગે…
રાજસ્થાનના બીકાનેરમાં અમારા સમાજનું મંદિર છે, ત્યાં જઈને સલમાન ખાને માફી માંગવી જોઈએ. જો તે આવું કરશે તો તેની સાથે અમારે કોઈ લેવા-દેવા નથી, જો તે માફી નહીં માગે તો અમે કાયદા મુજબ નહીં, અમારી રીતે જવાબ આપીશું…
2018થી લોરેન્સના નિશાને સલમાન ખાન
અગાઉ 2022માં એક ચિઠ્ઠી દ્વારા સલમાન ખાનને ધમકી મળી હતી. આ ચિઠ્ઠી સલમાન ખાનના પિતા સલીમ ખાનને મળી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, સલમાન ખાનના હાલ સિદ્ધુ મુસેવાલા જેવા કરી દીઈશું… લોરેન્સ બિશ્નોઈએ પ્રથમવાર 2018માં સલમાનને મારવાની ધમકી આપી હતી. ત્યારથી સલમાન ખાન આ ગેંગના નિસાના પર છે. વાસ્તવમાં સલમાન ખાન 1998ના કાળિયાર હરણ શિકાર કેસમાં ફસાયેલો છે. લોરેન્સ બિશ્નોઈ આ શિકારનો સલમાન સાથે બદલો લેવા માંગે છે. લોરેન્સ બિશ્નોઈએ પોતે ખુલાસો કર્યો હતો કે, 2018માં તેણે સલમાન ખાનની હત્યા કરવાની સંપૂર્ણ તૈયારી કરી દીધી હતી.
ભટિંડા સેન્ટ્રલ જેલમાં બંધ છે લોરેન્સ
2022માં 29મી મેએ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ નજીક પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરાઈ હતી, જેની જવાબદારી કેનેડામાં બેઠેલા ગોલ્ડી બરાડે લીધી હતી. લોરેન્સ બિશ્નોઈના કહેવા પર જ ગોલ્ડીએ મુસેવાલાને મારવાનું કાવતરું ઘડ્યું હતું. હાલમાં લોરેન્સ ભટિંડા સેન્ટ્રલ જેલમાં બંધ છે.