Today Gujarati News (Desk)
ઉમેશપાલ હત્યા કેસમાં સામેલ અતિક અહેમદ અમદાવાદ સાબરમતી જેલમાં બંધ છે, ત્યારે અતિકને ઉત્તર પ્રદેશ લઈ જવા માટે UPની 45 જવાનોની ટીમ સાબરમતી જેલ પહોંચી ગઈ છે. પોલીસ ઉમેશપાલ મર્ડર કેસના આરોપી અતિક અહેમદને 6 ગાડીઓના કાફલા સાથે બાય રોડ ઉત્તર પ્રદેશ લઈ જવાશે. પોલીસ હત્યા સંદર્ભે અતિકની પૂછપરછ કરશે. વર્ષ 2007માં ઉત્તર પ્રદેશમાં થયેલ રાયોટિંગ અને ખંડણી કેસની સુનાવણી અંતર્ગત અતિક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવાશે. આ કેસને લઈ બુધવારે સુનાવણી હાથ ધરાશે. કોર્ટે આદેશ આપ્યો હતો કે, સુનાવણી વખતે અતિક અહેમદને હાજર કરે, તેથી ઉત્તર પ્રદેશની પોલીસ અતિકને લેવા સાબરમતી જેલ પહોંચી છે. અતિક લઈ જવા માટે ઉત્તર પ્રદેશ પોલીસે કોર્ટ પરમિશન મેળવી હતી.
અતિક અહેમદ ફફડી ગયો, એન્કાઉન્ટરનો ડર
દરમિયાન મળતા અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશ પોલીસ અતિકને લેવા આવતા જ અતિક ફફડી ગયો છે. ભયનો માર્યો અતિક સાબરમતી જેલમાંથી બહાર નિકળવા માંગતો નથી. અતિકને ડર છે કે તે જો સાબરમતી જેલમાંથી બહાર નિકળે તો તેનું એન્કાઉન્ટર થઈ શકે છે. અતિક અહેમદના પરિવારે પણ અતિકનું એન્કાઉન્ટ થવાનો ભય વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
અતિક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે
ઉમેશપાલ હત્યા કેસમાં અતિક અહેમદ અને તેનો ભાઈ અશરફ આરોપી છે. અતિક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે જ્યારે અશરફ બરેલી જેલમાં બંધ છે. યુપી પોલીસ સાબરમતી જેલમાં પહોંચી ગઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લઈ જશે. પોલીસ પ્રયાગરાજમાં ઉમેશપાલ મર્ડર કેસમાં અતીકની પૂછપરછ કરશે. પોલીસ અતિકને પ્રયાગરાજ લાવવા ઝાંસીથી શિવપુરી થઈને આવશે.
અતિકને રોડ માર્ગે પ્રયાગરાજ લઈ જશે
પ્રયાગરાજ પોલીસ થોડા સમયમાં જ અતિકને રોડ માર્ગે પ્રયાગરાજ લઈ જશે. અશરફને બરેલી જેલમાંથી પણ પ્રયાગરાજ લાવવામાં આવી શકે છે. ઉમેશ પાલ અપહરણ કેસની સુનાવણી પૂરી થઈ ગઈ છે. આ કેસમાં નિર્ણય આવવાનો બાકી છે. આ પહેલા શુક્રવારે રાત્રે લગભગ 1700 પોલીસકર્મીઓ અને અધિકારીઓએ ગુજરાતની જેલોમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં સૌથી ખાસ સાબરમતી જેલ હતી જેમાં અતિક અહેમદને રાખવામાં આવ્યો છે.
અતિક 2019થી સાબરમતી જેલમાં બંધ
અતિક અહમદની 2017ના ફેબ્રુઆરીમાં એક યુનિવર્સિટીના સ્ટાફને મારવા બદલ જેલભેગો કરાયો ત્યારથી જેલમાં જ છે. જો કે અતિક યુપીની જેલોમાં બેઠાં બેઠાં ખંડણીખોરી કરતો હતો તેથી તેને અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં રખાયો છે. અતિકની 2017માં ધરપકડ કરાઈ પછી દેવરીયા જેલમાં રખાયેલો. અતિકના માણસો બિઝનેસમેન મોહિત જયસ્વાલને ઉઠાવીને દેવરીયા જેલમાં લઈ આવેલા. જયસ્વાલ ખંડણી નહોતો આપતો તેથી અતિકે તેને જેલમાં લાવીને ફટકાર્યો હતો. ખંડણી નહીં આપે તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી. યુપીમાં યોગી મુખ્યમંત્રી બની ચૂક્યા હોવાથી તેમણે જયસ્વાલને સુરક્ષાની ખાતરી આપીને ફરિયાદ કરાવડાવી. આ કેસમાં અતિક દોષિત ઠર્યો પછી તેને બરેલી જેલમાં મોકલી અપાયેલો. બરેલી જેલમાંથી પણ તે ક્રાઈમ નેટવર્ક ચલાવતો તેથી તેને 2019ના જૂનમાં સાબરમતી જેલમાં મોકલી અપાયો હતો.
કોર્ટમાં બોમ્બ ફેંકાયા છતાં અતિક બચી ગયેલો
અતિક અહમદ ધારાસભ્ય હતો ત્યારે ૨૦૦૨માં તેને પતાવી દેવા જીવલેણ હુમલો કરાયેલો. અતિકને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેના પર બોમ્બ ફેંકાયો હતો. અતિક ઘાયલ થયો હતો પણ તેનો જીવ બચી ગયો હતો. યુપીમાં એ વખતે માયાવતી મુખ્યમંત્રી હતાં. અતિકે આક્ષેપ મૂકેલો કે, માયાવતીએ એસપી લાલજી શુકલાને પોતાને ખતમ કરવાની સોપારી આપેલી. શુકલાના માણસોએ તેના પર બોમ્બ ફેંકેલો. અતિકની આ વાતને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી.