Today Gujarati News (Desk)
રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હોળી ઘુળેટી પર્વ નિમિતે દિવ્ય રંગોત્સનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ રંગોત્સવનું આયોજન વડતાલધામ દ્રિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામના ઉપલક્ષયમાં યોજાયો હતો. આ હોળી-ધુળેટી પર્વ નિમિતે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
દેશમાં તહેવારનું અનેરુ મહત્વ હોય છે અને રાજ્યમાં હાલ અનેક જગ્યાએ હોળી-ધુળેટી તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે સાળંગપુરના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરરમાં કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે પણ આ તહેવારની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંતો અને 50 હજાર કરતા વધુ ભક્તો દ્વારા મંદિરના પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવાયા હતા. દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા રંગોની સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. આ ઉપરાંત 70થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ ઉપરાંત 100 ફૂટ ઊંચા કંકુ તેમજ 5 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન વડે હવામાં ઉડાવવામાં આવ્યો હતો. આ રંગોત્સવમાં ખાસ નાસિકના 60 ઢોલીઓએ ધૂમ મચાવી હતી. ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી.