Today Gujarati News (Desk)
સુરતના ડીંડોલી વિસ્તારમાં બે દિવસ અગાઉ બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે આરોપી હીરા મેનેજરની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા કાર મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણાના માલિકની હોવાનું બહાર આવ્યું હતું. મૂળ માલિક દ્વારા કાર વેચાણ અર્થે સુરત રહેતા પોતાના બનેવીને આપી હતી. પરંતુ કાર વેચાણ નહીં થતાં બનેવીનો મિત્રો લગ્ન પ્રસંગમાં બે દિવસ માટે આ કાર લઈ ગયો હતો. જ્યાં ડીંડોલી ખાતે પાનના ગલ્લે ઉભી રાખવામાં આવેલ કારનો રાઉન્ડ મારવા લઈ ગયેલ મિત્રના મિત્ર હીરા મેનેજરે અકસ્માત સર્જ્યો હતો.
સુરતના ડીંડોલી વિસ્તારમાં બે દિવસ અગાઉ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જે ઘટનામાં અંકિત ગુપ્તા નામના શાકભાજીની લારી ચલાવતા યુવકનું કરુણ મોત થયું હતું. પૂરપાટ ઝડપે દોડી આવેલી કારના ચાલકે શાકભાજીની લારી લઈ જતા અંકિત ગુપ્તાને અડફેટે લેતા હવામાં ફંગોળાયો હતો. જે બાદ ટૂંકી સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલના બીજાને અંકિત ગુપ્તાનું મોતપજ્યું હતું.
ડીંડોલી વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે સીસીટીવી ફૂટેજના આધારે ડીંડોલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, જે કારથી અકસ્માત થયો છે તે કાર વલસાડ પાર્સિંગની છે અને કારના મૂળ માલિકનું નામ ધર્મેશ કાણાની છે. જે મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણાનો રહેવાસી છે. જેથી ડીંડોલી પોલીસની ટીમે ભાવનગરના પાલીતાણા જઈ સ્થાનિક ગામના સરપંચની મદદથી કારના મૂળ માલિકને શોધી કાઢ્યો હતો. જેની પૂછપરછ કરતા તેણે આ કાર પોતાના સુરત રહેતા બનેવી વિશાલ નાકરાણીને વેચાણ અર્થે આપી હતી. જેની પણ ડીંડોલી પોલીસે ઊંડાણપૂર્વક પુછપરછ હાથ ધરી હતી.