Today Gujarati News (Desk)
સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાઓમાં રજનીકાંતનું નામ સૌથી ઉપર આવે છે. એક્ટિંગના શહેનશાહ કહેવાતા રજનીકાંતને પરિચયની જરૂર નથી. રજનીકાંતના ફેન્સ દુનિયાભરમાં છે. હાલમાં રજનીકાંતે તેના અંગત અધિકારોની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે. જેના કારણસર અભિનેતાની મંજુરી વિના તેનું નામ, અવાજ, ફોટો અને તેને લગતી કોઈપણ વસ્તુના પ્રયોગ પર કડકપણે કાર્યવાહી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ, રજનીકાંતના વકીલે નોટિસ જાહેર કરી કેટલાંક લોકો વિરુદ્ધ આપરાધિક કાર્યવાહીની ચેતવણી આપી છે. આ જાહેર નોટિસ પ્રમાણે, જો કોઈ અભિનેતાની મંજુરી વિના તેના અંગત અધિકારોનું ઉપયોગ કરશે તો તેના વિરુદ્ધ કાનૂની પગલા ભરવામાં આવશે.
રજનીકાંતના વકીલે જાહેર કર્યું નોટિસ:
મોટા ભાગે એવું બનતું હોય છે કે કેટલાંક લોકો સેલેબ્સના ફોટો, નામ, અવાજ અને ફેમનો ઉપયોગ પોતાના ફોલોવર્સ વધારવા, પ્રોડક્ટ્સ વગેરેને વેચવા માટે કરતા હોય છે. રજનીકાંતના વકીલ દ્વારા જાહેર કરેલ નોટિસ બાદ જે લોકો પોતાના પ્રોડક્ટ્સ વેચતા હોય છે તે આવું કરી શકશે નહિ. રજનીકાંતના વકીલ દ્વારા જાહેર કરેલ નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે સુપરસ્ટાર રજનીકાંતનું નામ, ફોટો અને તેની અવાજનો પ્રયોગ તેની મંજુરી વિના કરવાથી તેના ફેન્સ અને જનતાને ભ્રમ થતો હોય છે. જેના કારણે ફેન્સ તે વસ્તુની ખરીદી કરતા હોય છે અને તેના નુકશાન પછી જવાબદાર સેલેબ્સને માનતા હોય છે.
નામ અને ફોટોનું થાય છે દુરુપયોગ:
કેટલાંક પ્લેટફોર્મ પોતાના ઉત્પાદનો વેચવા માટે અને લોકોને આકર્ષિત કરવા માટે બીજી વ્યક્તિની અંગત વસ્તુઓ જેમકે તેમનું નામ અને ફોટોનું ગેરરીતે ઉપયોગ કરતા હોય છે. હવે જો કોઈ વ્યક્તિ આવું કરશે તો તેના વિરુદ્ધ કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે.