Today Gujarati News (Desk)
સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં મંગળવારે ભારે હિમસ્ખલન થયુ હતુ. આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. લગભગ 80 પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળક સામેલ છે. હિમસ્ખલન બાદ ગંગટોકથી નાથુલાને જોડતા જવાહરલાલ નહેરુ રોડ પર બચાવ કામગીરી ચાલી રહી છે.
બપોરે 12 વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું. સિક્કિમ પોલીસના ઈન્સ્પેક્ટર જનરલ સોનમ તેનજિંગ ભૂટિયાએ જણાવ્યું કે, મૃતકોમાં ચાર પુરૂષ, એક મહિલા અને એક બાળક સામેલ છે. તેમાંથી હજુ કોઈની ઓળખ થઈ શકી નથી. બરફમાં ફસાયેલા 22 પર્યટકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રોડ પરથી બરફ હટાવ્યા બાદ 350 ફસાયેલા પર્યટકો અને 80 વાહનોને બચાવવામાં આવ્યા છે.
હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.