Today Gujarati News (Desk)
સિહોરના વરલ ગામમાં હાલમાં અજંપાભરી સ્થિતિ છે. મોબાઈલ ટાવરની લિઝના પૈસા મામલે થયેલી માથાકૂટમાં એક યુવતીની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સિહોર તાલુકાના વરલ ગામમાં ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. જેની લીઝના પૈસા મામલે ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ અને આરોપીઓ વચ્ચે માથાકુટ થઈ હતી. ગઈકાલે આરોપીઓએ લશ્કરભાઈ પર હુમલો કર્યો ત્યારે જ નજીકમાં રહેલી તેની ભત્રીજી રાધિકા બારૈયા કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી. જેથી આરોપીઓએ છરીનો ઘા રાધિકાને મારી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સગીરાની હત્યાનો બનાવ બન્યા બાદ આજે મૃતકની અંતિમયાત્રા યોજવામાં આવી હતી.
ગામલોકોએ આજે ગામ સજ્જડ બંધ રાખ્યું
બનાવના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગર એસપી પણ ખુદ વરલ ગામ પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. હત્યાના વિરોધમાં ગામલોકોએ આજે ગામ સજ્જડ બંધ રાખ્યું હતું અને મૃતકની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતાં.ભાવનગર પોલીસે આ મામલામાં આરીફ અલારખા પાયક, અશરફ ઉર્ફે સૂસો જુસબ પાયક, અરમાન હારુન પાયક, ઈરબાન બાબુ પાયક,અમીન અહમદ પાયક અને આદિલ યુનુસ પાયક નામના આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.