Today Gujarati News (Desk)
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગુરૂવારના રોજ કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે સત્તાના વિભાજન પર સુનાવણી દરમિયાન ટીપ્પણી કરી હતી કે, જ્યારે વહીવટને લગતા તમામ નિર્ણયો કેન્દ્ર સરકારના આદેશ પર લેવામાં આવે છે ત્યારે દિલ્હીમાં ચૂંટાયેલી સરકરાની શું જરૂર છે. તાજેતરમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચ કેન્દ્ર અને દિલ્હી સરકારના વિભાગો વચ્ચે સત્તાના વિભાજન પર સુનાવણી કરી રહી છે. બેન્ચની ટીપ્પણી પર સોલિસિટર જનરલ તુષાર મહેતાઓ કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું અમલદારો પર વહીવટી નિયંત્રણ છે પરંતુ તેઓ માત્ર દિલ્હી સરકારના સંબંધિત વિભાગો માટે કામ કરે છે અને રિપોર્ટ કરે છે.
તેના પર ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે આ પ્રકારના અર્થઘટનથી વિચિત્ર પરિસ્થિતિ સમજાય છે. તેમણે કહ્યું હતું કે ધારો કે કોઈ અધિકારી પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યો પરંતુ તેની નિમણૂક, ટ્રાન્સફર, પોસ્ટિંગ વગેરેનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે તો દિલ્હી સરકાર તે અધિકારી સામે કેવી રીતે પગલા લેશે? શું તે અધિકારીને બદલી ન શકે? શું તેના સ્થાને અન્ય અધિકારીની નિમણૂક ન કરી શકે? આ પ્રશ્નો પર કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે આવા મામલામાં કાર્યવાહી કરવાની પ્રક્રિયા છે.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આવી સ્થિતિમાં દિલ્હી સરકાર અથવા તેનું સંબંધિત મંત્રાલય ઉપરાજ્યપાલને પત્ર લખે છે. આ પત્રને LG વતી કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે, જે કાર્યવાહી કરે છે. તુષાર મહેતાએ કહ્યું હતું કે દિલ્હીમાં LG પણ એડમિનિસ્ટ્રેટરની ભૂમિકામાં છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં કેન્દ્ર સરકાર પાસે વહીવટી નિયંત્રણ હોવું જરૂરી છે કારણ કે રાજધાની આતંકવાદ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને સંવેદનશીલ સ્થળ છે. દિલ્હીમાં વહીવટ રાષ્ટ્રીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. આ ઉપરાંત પાડોશી રાજ્યો સાથે વધુ સારા સંકલન માટે કેન્દ્રનું નિયંત્રણ પણ જરૂરી છે.
UTએ કેન્દ્ર સરકારનો જ વિસ્તાર છે
આ દરમિયાન તુષાર મહેતાએ કેન્દ્રશાસિત પ્રદેશો (UT) ને કેન્દ્ર સરકારના વિસ્તાર ગણાવતા કહ્યું હતું કે, કોઈ ચોક્કસ વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનો ઉદ્દેશ્ય એ છે કે કેન્દ્ર સરકાર ત્યાં પોતાના અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવા માંગે છે. આ બાબતે ચીફ જસ્ટિસે ટીપ્પણી કરતા કહ્યું હતું કે જો કેન્દ્ર સરકારે વહીવટ ચલાવવાનો હોય તો ચૂંટાયેલી સરકારનો શું અર્થ છે? હાલમાં આ મામલે અંતિમ નિર્ણય આવ્યો નથી. આગામી દિવસોમાં આ મુદ્દે કેટલીક રસપ્રદ ટિપ્પણીઓ સાંભળવા મળી શકે છે.