Today Gujarati News (Desk)
સુરતના સચીન સુડા સેક્ટરમાં મંગળવારે મધરાત બાદ મોબાઈલ ફોન લૂંટવા શ્રમજીવીની હત્યા કરાઈ હતી.સાડીના કારખાનામાં કામ કરતો યુવાન મધરાત બાદ પસાર થતો હતો ત્યારે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાએ મોબાઈલ લૂંટવા પ્રયાસ કરતા યુવાને પ્રતિકાર કરતા તેને પેટના ભાગે ચપ્પુ મારતા મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સચીન સુડા સેક્ટરમાં મંગળવારે મધરાત બાદ 12.30 ના અરસામાં સાડીના કારખાનામાં કામ કરતો સની ચૌહાણ રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા પૈકીના એકે તેનો મોબાઈલ ફોન ઝુંટવા પ્રયાસ કર્યો હતો.સનીએ પ્રતિકાર કરતા તેને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેવાયા હતા.આથી સની ત્યાં જ ઢળી પડયો હતો. બાદમાં ત્રણેય બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ તરફ ગંભીર ઈજાગ્રસ્ત સનીનું બાદમાં મોત નીપજ્યું હતું. બાઈક પર આવેલા ત્રણેયે બાદમાં થોડે દૂર જઈ વધુ એક યુવાન પાસેથી પણ મોબાઈલ ફોન લૂંટ્યો હોવાનું જાણવા મળ્યું છે. લૂંટ વીથ મર્ડરની ઘટનાને પગલે સચીન અને સચીન જીઆઇડીસી પોલીસ દોડતી થઈ ગઈ છે.