Today Gujarati News (Desk)
લગ્ન બાદ છુટાછેડા લેવા અંગેના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યાં છે. કેટલાક કિસ્સાઓમાં દહેજ માટે દબાણ કરવામાં આવતું હોય છે તો કેટલાકમાં આડા સંબંધો જવાબદાર હોય છે. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં પરીણિતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરીણિતાને ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીના પિતાએ સાસરિયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
પતિ છુટાછેડા માટે દબાણ કરતો
સુરતના મોટા વરાછામાં રહેતી પરીણિતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેના પિતાએ ફરિયાદમાં કહ્યું હતું કે, તેમની દીકરીના આજથી 6 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં અને એક સંતાન પણ છે. તેનો પતિ ટેનિશ વેકરિયા ઈઝરાયેલમાં હીરાનો ધંધો કરે છે. પતિ મારી દીકરીને વારંવાર કહેતો હતો કે, તું મને ગમતી નથી તેને બીજી કોઈ યુવતી સાથે આડા સંબંધો હોવાથી છુટાછેડા આપવા માટે દબાણ કરતો અને ત્રાસ આપતો હતો.
સાસુ, સસરા, નણંદ અને નણદોઈ જસ્મીન પાદરિયા પણ મારી દીકરીને છેલ્લા બે મહિનાથી માનસિક ત્રાસ આપતા હતા. આ અંગે મારી દીકરીએ મને પણ જાણ કરી હતી.મારી દીકરીએ ફોન કરીને કહ્યું હતું કે, આ બધા મને જીવવા નહીં દે, બધા મને મારી નાખશે. મારી સાસુએ મને કંઈ પીવડાવી દીધું છે કહીને મોનિકાએ પિતાને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. હાલ તો મોનિકાની પિતાની ફરિયાદ આધારે ઉત્રાણ પોલીસે મોનિકાના પતિ સહિત સાસરિયાના 7 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.