Today Gujarati News (Desk)
સૌરમંડળના એકમાત્ર તારા સૂર્યમાં હાલમાં એક વિચિત્ર હલચલ જોવા મળી રહી છે. પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ સૂર્યમાંથી એક ટુકડો તૂટતા જોયો છે. તાજેતરમાં સૂર્યના પ્લાઝ્માનો મોટો ભાગ તેનાથી અલગ થયો અને સૂર્યના વાતાવરણમાં પરિભ્રમણ કરતા દેખાયો હતો. આ પ્લાઝ્મા હજારો માઈલની ઊંચાઈએ સૂર્યના ઉત્તર ધ્રુવની પરિક્રમા કરતો રહ્યો અને પછી અદૃશ્ય થઈ ગયો હતો. આ અનોખી ઘટના જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટ્વિટર પર આને લગતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો થોડી સેકન્ડનો છે, પરંતુ જો સાચા સમયની વાત કરવામાં આવે તો તે 8 કલાક સુધી ચાલી હતી.
NASAની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ ઘટના અંગે માહિતી આપી
કેલિફોર્નિયામાં ધ એરોસ્પેસ કોર્પોરેશનના સાયન્સ કોમ્યુનિકેટર અને રિસર્ચ સાયન્ટિસ્ટ તમિથા સ્કોવએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. નાસાની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ આ ઘટના અંગે માહિતી આપી છે. જ્યારે આ ભાગ અલગ થયો, ત્યારે તે ધ્રુવ પરના વમળ જેવો થઈ ગયો. ધ્રુવ પર બનેલ હોવાને કારણે તેને ‘પોલર વોર્ટેક્સ’ કહેવામાં આવે છે. તમિથા સ્કોવે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘સૂર્યના ઉત્તરીય ભાગમાં મુખ્ય ફિલામેન્ટથી એક ભાગ અલગ થયેલો હતો. હવે તે એક વિશાળ ધ્રુવીય વમળ તરીકે આપણા તારાના ઉત્તર ધ્રુવની આસપાસ ફરે છે.
સૂર્યમાંથી નીકળતો પ્લાઝ્મા છે શું?
સૂર્યનો મોટોભાગ ઘણા પ્રકારના ગેસથી બનેલો છે જે ઇલેક્ટ્રિકલી ચાર્જ થાય છે તેમજ બધા તારાઓ સમાન બંધારણ ધરાવે છે અને આ ભાગને જ પ્લાઝ્મા કહેવામાં આવે છે. સૂર્યમાંથી પ્લાઝ્મા સતત નીકળતો રહે છે. તે સપાટી પરથી નીકળી અને હજારો કિમી સુધી અવકાશમાં ફેલાય છે, પરંતુ તે હંમેશા સપાટી સાથે જોડાયેલ રહે છે. આ વખતે જ્યારે પ્લાઝ્મા અવકાશમાં નીકળ્યો, ત્યારે તે સપાટી સાથે જોડાયેલ રહેવાને બદલે અલગ થયેલો જોવા મળ્યો હતો.
સૂર્યમાં કેવી ઘટના જોવા મળી?
સૂર્ય પ્લાઝ્મા નીકળ્યા પછી કલાકો સુધી તે સપાટી પર પ્રકાશિત રહ્યો અને સૂર્યના ધ્રુવોની આસપાસ ભ્રમણ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે ધ્રુવો પર ચક્રવાતીની જેમ ગતિ કરતુ જોવા મળ્યું હતું. કોલોરાડોમાં નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચના સોલર સાયન્ટિસ્ટ સ્કોટ મેકિન્ટોશએ જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પ્લાઝમાને આવું વર્તન કરતા જોયા નથી. તેમણે કહ્યું કે, પ્લાઝ્મા ફિલામેન્ટ્સ સૂર્યની 55 ડિગ્રી અક્ષાંશ રેખાઓ નજીક નિયમિતપણે બહાર આવે છે.
આ બાબતે હજુ પણ સંશોધન ચાલી રહ્યું છે
સૂર્ય તેના 11 વર્ષના પ્રવૃત્તિ ચક્રના અંત તરફ આગળ વધી રહ્યો છે. આ જ મુખ્ય કારણ છે કે, સૂર્યમાં આ પ્રકારની હલચલ જોવા મળી રહી છે. આ કારણથી છેલ્લા કેટલાક મહિનાઓથી સૂર્યમાંથી સતત પ્લાઝ્મા બહાર આવી રહ્યું છે. પૃથ્વીને સીધી કોઈ અસર તો નહિ થાય પરંતુ પૃથ્વીની નજીક આવવાથી, તે સેટેલાઇટ અને રેડિયો સિગ્નલને પણ નુકસાન કરી શકે છે. આના કારણે પૃથ્વી પરના પાવર ગ્રીડને પણ નુકસાન થઈ શકે છે. આ ટુકડો કેવી રીતે અલગ થયો અને તે શું હોઈ શકે તેના પર વૈજ્ઞાનિકો હજુ પણ સંશોધન કરી રહ્યા છે.