Today Gujarati News (Desk)
ગત વર્ષ ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે ખરેખર જોરદાર રહ્યું. કારણ કે ગયા વર્ષે તેણે T20 ક્રિકેટમાં જોરદાર ધૂમ મચાવી હતી. ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીને આઈસીસી દ્વારા તેના આ ધમાકેદાર પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને ICC દ્વારા વર્ષનો સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે અને ICC મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે.
એક સિઝનમાં હજાર રન
ભારતના તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ગયા વર્ષે T20 ક્રિકેટમાં ઢગલાબંધ રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં, તે આ આખી સિઝનમાં એક હજાર રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન હતો. તેમના સિવાય આ સ્થાન સુધી કોઈ પહોંચી શક્યું નથી.
બે ટી-20 સદી ફટકારી
ગયા વર્ષે 31 મેચ રમ્યા બાદ સૂર્યાએ 46.56ની એવરેજથી 1164 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 187.43 હતો. આ દરમિયાન તેના બેટમાંથી બે ટી-20 સદી પણ નીકળી હતી. તેણે પહેલા ઈંગ્લેન્ડ સામે અને પછી ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે તેણે આ બંને સદી હોમ સીરિઝમાં નહીં પણ ભારતની બહાર રમતા બંને સદી ફટકારી હતી.પાકિસ્તાની ક્રિકેટરને પછાડ્યો
સૂર્યકુમાર યાદવની સાથે ICC T20 ક્રિકેટર ઓફ ધ યરની રેસમાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનનો સમાવેશ થાય છે. સેમ કરને ઓસ્ટ્રેલિયામાં આયોજિત ICC T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પણ તેનો નંબર આઇસીસીના ઍવોર્ડમાં લાગ્યો નહોતો. તેની જગ્યાએ ભારતીય ખેલાડીએ આ એવોર્ડ જીતવામાં બાજી મારી હતી.