Today Gujarati News (Desk)
મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જીવન અંગે ૠષિ વાલ્મિકીની રામાયણ અંગે ઘણું સાંભળવામાં આવે છે પરંતુ સુરત શહેરમાં 19 કિલોની એક દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ છે. જેને માત્ર વર્ષમાં એક વાર રામનવમીના દિવસે જાહેરમાં મુકવામાં આવે છે.
દેશભરમાં રામનવમીને ઉજવણી ભાવી ભક્તો હર્ષોલ્લાપૂર્વકથી ઉજવી રહ્યા છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાં આવેલા લુહાર ફળિયામાં રહેતા ગુણવંતભાઈ પાસે સોનાની રામાયણ છે. જેને જોવા માટે ભક્તોએ એક વર્ષ રાહ જોવી પડે છે કારણ કે ભગવાન રામના જન્મદિવસે જ તેને જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવે છે. સોનાની આ રામાયણમાં 530 પાના છે અને 222 તોલાના સ્વર્ણની શાહીથી લખવામાં આવી છે. જેનું વજન 19 કિલો છે. રામાયણ 10 કિલો ચાંદી, 4000 હીરા, માણેક, પન્ના અને નીલમથી સજાવવામાં આવી છે જેની કિંમત કરોડોમાં છે. સ્વર્ણ રામાયણના મુખ્ય પૃષ્ઠ પર એક તોલા સોનાથી ભગવાન શિવ અને અડધા તોલા સોનાથી હનુમાનદાદાની પ્રતિમા બનાવવામાં આવી છે. વર્ષ 1981માં રામભાઈ ભક્ત દ્વારા આ સ્વર્ણ રામાયણને ખાસ પુષ્ય નક્ષત્રમાં જ લખવામાં આવી હતી. કુલ 9 મહિના અને 9 કલાકમાં આ રામાયણ લખવામાં આવીજેમાં 12 લોકો શામેલ હતા. 530 પાના પર ભગવાન રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યુ છે. આ રામાયણમાં 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યું છે.