Today Gujarati News (Desk)
મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. હવે તેમની મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. ખરેખર એક એપ્રિલથી મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં 18 ટકાનો વધારો ઝિંકવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ(MSRDC)ના અધિકારીઓએ આ માહિતી આપી હતી.
MSRDCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જોકે ટોલમાં વાર્ષિક 6 ટકાનો વધારો કરવામાં આવે પણ તેને દર 3 વર્ષે લાગુ કરવામાં આવે છે. અગાઉ 2020માં ટોલ ટેક્સમાં વધારો કરાયો હતો. 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો થવાથી કાર અને જીપ જેવા ફોર વ્હિલર વાહનચાલકોએ હવે 270 રૂપિયાની જગ્યાએ 320 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે મિની બસ અને ટેમ્પો જેવા વાહનો માટે 420 રૂ.ની જગ્યાએ 495 રૂ. ટોલટેક્સ વસૂલાશે. ડબલ એક્સલ ટ્રક માટે 585ની જગ્યાએ 685 અને બસ માટે 797 રૂ.ની જગ્યાએ 940 રૂ. ટોલટેક્સ વસૂલાશે. આ ટોલટેક્સ હવે 2030 સુધી જળવાઇ રહેશે.