Today Gujarati News (Desk)
યુ-ટ્યુબ પર સિમેન્ટની કંપનીનો વીડિયો જોઇ ચીટરે બે વ્યક્તિને શિકાર બનાવી લાખોની રકમ પડાવી હતી. સિમેન્ટ કંપનીમાંથી વાત કરતો હોવાની ખોટી ઓળખ આપી સસ્તામાં સિમેન્ટ આપવાના નામે પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાના પુત્ર પાસેથી 6.60 લાખની રકમ તફડાવી હતી. આ ગુનામાં સાયબર ક્રાઇમે બન્ને ઠગબાજોને દિલ્હી પોલીસ પાસેથી કબજો લઇ ધરપકડની કાર્યવાહી કરી હતી.હવે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયાનો સહારો લઈ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે યુ-ટ્યુબ પર સિમેન્ટ કંપનીનો વીડિયો જોઈ બે શખ્સોને શિકાર બનાવ્યા હોવાની ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા યોગેશ કાપડીયાના પુત્ર સાથે 7 મહિના પહેલા ચીટરે કોલ કરી સિમેન્ટ કંપનીમાંથી રાજ પુરોહિત વાત કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી. પછી સસ્તામાં સિમેન્ટ આપવાની લાલચ આપી હતી. પૂર્વ વિરોધ પક્ષના નેતાના પુત્રએ પણ તપાસ્યા વગર 2 હજાર સિમેન્ટની થેલીનો ઓર્ડર આપી 6.60 લાખની રકમ ચીટર ટોળકીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
લાખોની રકમ આપ્યા પછી છેલ્લા 6 મહિનાથી વાયદાઓ કરી નાણાં પરત કર્યા નહોતા. આથી પાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતાના પુત્ર ગીરલ યોગેશ કાપડીયાએ 21મી જાન્યુઆરીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. બન્ને ચીટરોએ દિલ્હીમાં સિમેન્ટના નામે જ ચીટીંગ કરી હતી. જેમાં દિલ્હી પોલીસ બિહારના નાલંદા ખાતેથી બન્નેને 15 દિવસ પહેલા પકડી લાવી હતી. જેમાં સુરતનો ગુનો ઉકેલાયો હતો. જ્યારે ગોપાલ નામનો શખ્સ કોલ કરતો હતો અને ચંદન બેંક ખાતા આપતો હતો.
સાયબર ક્રાઇમે બન્ને ચીટરોની દિલ્હી પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી કબજો લાવી ધરપકડ કરી છે. ચંદન બાના ભુઇયા અને ગોપાલકુમાર ઉર્ફે સત્યમ કપીલ દેવસીંગની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બન્ને આરોપી પૈકી ચંદન બેંક ખાતા પ્રોવાઈડ કરતો હતો. ગોપાલ કંપનીનો કર્મચારી બની સસ્તામાં સિમેન્ટના નામે કોલ કરી શિકાર બનાવતો હતો.