Today Gujarati News (Desk)
તમે પણ જો સોનાની ખરીદી કરવાના હોય કે સોનામાં રોકાણ કરવાનું વિચારતા હોય તો આ જાણકારી તમારા માટે ઉપયોગી બનશે. સરકારે સોના અને જ્વેલરીની ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ બાબતો પર ગ્રાહક બાબતોના મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, 31 માર્ચ 2023 સુધીમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવશે.
ગ્રાહક મંત્રાલયે કહ્યું હતું કે, આ નિર્ણય 4 અને 6 અંકના હોલમાર્કિંગની મૂંઝવણને લઈને લેવામાં આવ્યો છે. સોનાના ખરીદ-વેચાણના બદલાયેલા નિયમ મુજબ હવે માત્ર 6 અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે. જો આ નવા હોલમાર્ક વિના સોનાના દાગીના વેચવામાં આવશે તો તે માન્ય ગણવામાં આવશે નહીં. મંત્રાલયે જણાવ્યું કે, નવા નિયમના અમલ બાદ 4 અંકના હોલમાર્ક પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ખાદ્ય અને ગ્રાહક બાબતના મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની પ્રવૃત્તિઓની સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં BISને દેશમાં પરીક્ષણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ BISને પ્રોડક્ટ ટેસ્ટિંગ અને માર્કેટ સર્વેલન્સની ફ્રિકવન્સી વધારવા માટે પણ વાત કરવામાં આવી હતી. BIS ને ઉત્પાદન સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઉત્પાદનો જેવા કે પ્રેશર કુકર, હેલ્મેટ અને અન્ય ઉપભોક્તા ઉત્પાદનો માટે બજાર દેખરેખ વધારવાનો નિર્દેશ આપ્યો.