Today Gujarati News (Desk)
હાટકેશ્વરમાં હાલના જ વર્ષોમાં બનેલા બ્રિજની હાલત જોઈને લોકોમાં ભારે ડર પેસી ગયો છે, આ બ્રિજની જે હાલત થઈ છે તેના કારણે તેની નીચેથી પસાર થનારા અને બ્રિજની નીચે વેપાર ધંધો કરનારામાં ડર પેસી ગયો છે. આ અંગે ન્યૂઝ 18માં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તેના પડઘાં છેક ગાંધીનગરમાં પડ્યા છે. બ્રિજને બનાવવામાં કરાયેલી બેદરકારીના અહેવાલ બાદ ગાંધીનગરથી બ્રિજના રિપોર્ટ્સ સહિતની વિગતો મંગાવવામાં આવી છે.
AMC કમિશનરને ગાંધીનગરનું તેડું આવ્યું
હાટકેશ્વરમાં બનેલા છત્રિપતિ શિવાજી મહારાજ બ્રિજની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા બાદ તે અંગે અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલની અસગ ગાંધીનગરમાં થઈ છે. અહેવાલ પ્રસારિત થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની ગંભીરતાથી નોંધ લીધી છે.
AMC કમિશનર એમ થેન્નારસને ગાંધીનગરથી તેડું આવ્યું છે, આ બ્રિજની ગુણવત્તા સામે ઉઠેલા સવાલ બાદ બ્રિજના તમામ ડોક્યુમેન્ટ્સ સાથે બ્રિજના રિપોર્ટ્સ સાથે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. બ્રિજની ખરાબ હાલતને જોઈને તેની નીચે દુકાન ધરાવતા અને તેની નીચેથી પસાર થતા નાગરિકોને ડર સતાવી રહ્યો છે.
બ્રિજ મામલે વિપક્ષ નેતાના AMC પર ચાબખાં
હાટકેશ્વરના બ્રિજમાં હલકી ક્વોલિટીનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાની તપાસ દરમિયાન માલુમ પડ્યું છે. બ્રિજ પર પડેલા ગાબડા બાદ તેના નમૂના રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે M-45 ગ્રેડના બદલે M-25 ગ્રેડની કોંક્રેટ વાપરવામાં આવી હતી. લેબોરેટરી KCT અને CIMECના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બ્રિજ બનવાતી વખતે તેમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો હતો. હવે આ રિપોર્ટ આવ્યા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે અને તેમને પુલ દુર્ઘટના જેવી હોનારત થવાનો ભય સતાવી રહ્યો છે.