Today Gujarati News (Desk)
ગુજરાત ટાઇટન્સના ટીમના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે યુવા ભારતીય ઓપનર શુભમન ગિલ સ્માર્ટ ક્રિકેટિંગ માઇન્ડ ધરાવે છે અને ભવિષ્યમાં ટીમના કેપ્ટન તરીકે પણ ઉભરી શકે છે. આઈપીએલ બાદ ગિલ સતત આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં જ ગિલે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં પણ બેવડી સદી ફટકારી હતી. ગત વર્ષે પણ તેણે ટીમને તેનું પહેલું IPL ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ સિઝનમાં હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે પણ મુખ્ય ટીમનો ભાગ રહેલા શુભમન ગિલને ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. આ બાબતે ટીમના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ એક વર્ચ્યુઅલ મીડિયા દરમિયાન જણાવ્યું હતું કે શુભમન એક લીડર છે અને તે પોતાના પર ઘણી જવાબદારીઓ લે છે. શુભમને ગયા વર્ષથી તેના આચરણ કામ કરવાની રીત અને રમત પ્રત્યેના તેના વ્યાવસાયિક વલણથી લીડરની ભૂમિકા ભજવી હતી.
આ મામલે સોલંકીએ વધુમાં જણાવતા કહ્યું કે મને લાગે છે કે શુભમન ભવિષ્યમાં લીડર બનશે. હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેની પાસે લીડરશીપના ગુણો છે અને તે ખૂબ જ પરિપક્વ છે. તેની પાસે પ્રતિભા છે. તેની પાસે સ્માર્ટ ક્રિકેટિંગ માઇન્ડ છે અને અમે શુભમન સાથે વાતચીત કરતા રહેશુ અને અમારા દરેક નિર્ણય પર તેમનો અભિપ્રાય પણ જાણશું. ગુજરાત ટાઇટન્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 31 માર્ચના રોજ આઈપીએલ 2023ની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.