Today Gujarati News (Desk)
હિંડેનબર્ગ રિસર્ચ ફર્મનો અહેવાલ જ્યારથી આવ્યો છે ત્યારથી અદાણી ગ્રૂપના શેરોની કિંમત સતત ગગડતી જઈ રહી છે. દિવસે ને દિવસે કંપનીને એક પછી એક આંચકા લાગી રહ્યા છે. અનેક ડીલ પણ રદ થઇ ગઈ છે. અમેરિકી શોર્ટ સેલર ફર્મ દ્વારા 24 જાન્યુઆરીએ અદાણી અંગે રિપોર્ટ જાહેર કરાયો હતો અને તેના આગામી દિવસથી જ ગૌતમ અદાણીના પડતીના પાસા શરૂ થઇ ગયા હતા. આ રિપોર્ટ જાહેર થાય તે પહેલા ગૌતમ અદાણી વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગયા હતા અને હવે તેઓ ટોપ-10 તો શું પણ ટોપ-20 નહીં ટોપ-30થી પણ બહાર ફેંકાઈ ગયા છે.
23 જાન્યુઆરીના રોજ દુનિયાના ટોચના 10 ધનિકોની યાદીમાં ઈલોન મસ્ક, બર્નાર્ડ અર્નોલ્ટ અને જેફ બેઝોસ બાદ ચોથા ક્રમે હતા. તે સમયે તેમની નેટવર્થ લગભગ 116 અબજ ડૉલર હતી. અદાણી ગ્રૂપની માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂ. સુધી ધોવાઈ ગઈ છે. હિંડેનબર્ગનો રિપોર્ટ જાહેર થયાના 15 દિવસમાં જ અદાણી વિશ્વના ધનિકોની ટોપ-20ની યાદીમાંથી પણ બહાર થઇ ગયા હતા અને હવે તેઓ ટોપ-30થી બહાર થઇને સીધા 33મા ક્રમે પહોંચી ગયા છે. હવે તેમની નેટવર્થ 35.5 અબજ ડૉલર જ રહી ગઈ છે. તેમની કંપનીના શેરોમાં 85 ટકા સુધીનો કડાકો બોલાઈ ચૂક્યો છે. તેની સાથે મુકેશ અંબાણી અને અદાણીની નેટવર્થમાં હવે 48.8 અબજ ડોલરનું અંતર થઇ ગયું છે. અંબાણીની નેટવર્થ હાલમાં 84.1 અબજ ડોલર છે અને તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં 8માં ક્રમે છે.
હિંડેનબર્ગે અદાણી વિશે શું કહ્યું હતું?
હિંડેનબર્ગ વિશે એવું કહેવાય છે કે આ રિસર્ચ ફર્મ જે કંપની વિશે પણ રિપોર્ટ બહાર પાડે છે તેના શેરોની કિંમતોમાં ઓછામાં ઓછા 3મહિનામાં મોટો કડાકો બોલાઈ જાય છે. અદાણી સાથે પણ લગભગ એવું જ થઈ રહ્યું છે. હિન્ડેનબર્ગે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે અદાણી ગ્રૂપના મોટાભાગના સ્ટોક્સની કિંમત 85 ટકા સુધી ઓવરવેલ્યૂડ છે. અત્યાર સુધીમાં અદાણી ગ્રૂપના મોટાભાગના શેરોમાં ભયંકર કડાકો બોલાઈ જ ચૂક્યો છે.