Today Gujarati News (Desk)
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારના વલણ પર આજે લોકસભામાં ઉગ્રતાથી કટાક્ષ કર્યા છે. તેમણે લોકસભામાં મુસ્લિમોનું શિક્ષણ, નાણાંના અભાવના કારણે ભણતર છોડવા જેવા સવાલો કરી કેન્દ્ર સરકારને ઘેરી લીધી હતી. તેમણે કહ્યું કે, દેશમાં મુસલમાનોની 19 ટકા વસ્તી છે તેમ છતાં આ લોકો માટે ભાષણમાં એક લાઈન નથી. અસદુદ્દીન ઓવૈસીએ હેટ સ્પીચનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, એવો એક પણ મહિનો નથી ગયો, જેમાં મુસ્લિમોને જાનથી મારવાની ધમકી અપાઈ ન હોય.
તેમણે કહ્યું કે, શું નરેન્દ્ર મોદી સરકાર તિરંગામાંથી લીલો રંગ હટાવશે. શું મોદીની સરકાર તરબૂચ પર પ્રતિબંધ મૂકી આદેશ જારી કરશે કે નાગપુરની નારંગી જ ખાવી જોઈએ. ઓવેસીએ પસંદગીના મુસ્લિમો સાથે પ્રેમને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ચીન મુદ્દે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, શું વડાપ્રધાન તેમનું નામ લેશે. શું તેમને આપણા સૈન્ય પર, પ્રજા પર વિશ્વાસ છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ચીનથી ડરો નહીં… તેમણે કેન્દ્ર સરકારને ઈન્દિરા ગાંધી પાસેથી શીખવાની સલાહ આપી અને કહ્યું કે, કાયદા મંત્રી અહીંથી જતા રહ્યા છે. કોર્ટનું કામ નરેન્દ્ર મોદી સરકારની મદદ કરવાનું નથી.
ઓવેસીએ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બંને મળીને મલાઈ ખાધી અને દેશનો જવાનો પિસાઈ રહ્યા છે, જે 28 લોકો નાણાં ખંખેરી ભાગી ગયા, તેમાંથી એક પણ મુસ્લિમનું નામ નથી. તેમણે કહ્યું કે, હિન્ડનબર્ગ ભારતમાં હોત તો તેના પર UAPA લાદવામાં આવ્યું હોત. ઓવેસીએ PM મોદી માટે ‘એ’ને ખતરનાક આલ્ફાબેટ કહ્યો અને બિલકિસ બાનોનો પણ મુદ્દે ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાન જ્યારે વિદેશ પ્રવાસે જાય છે, ગાંધીનું નામ લે છે. કદાચ બે સમુદાયો ન થઈ જાય. અસદુદ્દીન ઓવેસીએ પૂજા સ્થળ એક્ટમાં કોઈ ફેરફાર ન કરવા માંગ કરી છે.