Today Gujarati News (Desk)
હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક નિર્માણાધીન પુલ 30 માર્ચની રાતે અચાનક ધરાશાયી થઈ ગયો. રાહતની વાત એ છે કે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતુ નહીંતર મોટી જાનહાનિ થઈ શકત. જે પુલ ધરાશાયી થયો તે 2.42 કરોડના ખર્ચે બની રહ્યો હતો.
પુલ બનીને તૈયાર થયા પહેલા જ ગુરૂવારે મોડી રાતે તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગયો. 75 મીટર લાંબો આ પુલ 2021થી બની રહ્યો હતો અને ટૂંક સમયમાં જ હવે આનુ કામ પુરુ થવાનુ હતુ. રિપોર્ટ અનુસાર પુલના નિર્માણ કાર્યનું ટેન્ડર લોક નિર્માણ વિભાગે એક ભાજપ નેતાને ફાળવ્યુ હતુ. પરંતુ મુખ્યમંત્રીના ગૃહ જિલ્લામાં તૂટેલા આ પુલે લોક નિર્માણ વિભાગની કાર્ય પદ્ધતિ પર પ્રશ્ન ઊભા કરી દીધા છે. લોક નિર્માણ વિભાગે વિધાનસભા ક્ષેત્ર ભોરંજ હેઠળ કોટ-જાહુ રોડ અને પુલના ટેન્ડરની વર્ષ 2020-21 માં ફાળવણી કરવામાં આવી હતી.
75 મીટર લાંબા આ પુલનું નિર્માણ 2.43 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યુ છે. માહિતી અનુસાર જ્યાં આ પુલ બની રહ્યો છે ત્યાં નક્શા અનુસાર ચાર પિલર ઊભા કરવામાં આવી રહ્યા છે. 75 મીટર લાંબા પુલ પર 25-25 મીટરના 3 સ્લેબ પડવાના છે. એક અધિકારીએ જણાવ્યુ કે એક સ્લેબનું શટરિંગ હટાવ્યાના અમુક કલાક બાદ જ આ પડી ગયો. નવાઈની વાત એ છે કે પુલનો સ્લેબ પડ્યા બાદ સંબંધિત સ્થળેથી સારુ મટીરિયલ ગાયબ છે. એવુ લાગી રહ્યુ છે કે જાણે ત્યાં પુલ હતો જ નહીં.