Today Gujarati News (Desk)
પુખ્ત થઇ ગયા બાદ મુસ્લિમ યુવતીઓ પોતાની મરજીથી નિકાહ કરી શકે છે. તેવા પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે અને આ મામલે નોટીસ જારી કરીને જવાબ માગ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે હાઇકોર્ટના આ આદેશને ઉદાહરણ તરીકે ના લઇ શકાય. એટલે કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશની અસર અન્ય મામલાઓ પર ના થઇ શકે. બાળ આયોગે કહ્યું હતું કે શારીરિક સંબંધ માટે લઘુતમ વય ૧૮ વર્ષની નક્કી કરવામાં આવી છે જ્યારે મુસ્લિમ સમાજમાં ૧૫ વર્ષની યુવતીના પણ નિકાહ કરી દેવામાં આવે છે. એવામાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનો મુસ્લિમ યુવતીને ૧૫ વર્ષે પણ નિકાહની છૂટ આપતો આદેશ પોક્સોના આ કાયદાની વિરુદ્ધમાં છે. બાળ સંરક્ષણ આયોગ તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતા દ્વારા દલિલ કરવામાં આવી હતી. જેમાં તેઓએ ૧૮ વર્ષની ઓછી વયે થતા નિકાહને અયોગ્ય ઠેરવવાની માગણી કરી હતી. હાલ આ મામલે સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને નોટિસ પાઠવી હતી અને સાથે જ વરીષ્ઠ વકીલ રાજશેકર રાવને કોર્ટ મિત્ર તરીકે નિમ્યા હતા.