Today Gujarati News (Desk)
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા આજે સરકારી વાહનોને લઈ મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. આમાં જણાવાયું છે કે, પહેલી એપ્રિલથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની માલિકી હેઠળના 15 વર્ષ જૂના થઈ ગયેલા વાહનો તેમજ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો હેઠળના 15 વર્ષ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરી દેવાશે અને સ્ક્રેપ કરી દેવામાં આવશે. નોટિફિકેશનમાં એમ પણ જણાવાયું છે કે, દેશના સંરક્ષણ ક્ષેત્રે, કાયદો વ્યવસ્થા હેઠળના અને આંતરિક સુરક્ષામાં ઉપયોગમાં લેવાતા વિશેષ હેતુવાળા વાહનો (આર્મર્ડ અને અન્ય વિશેષ વાહનો) પર આ નિયમ લાગુ થશે નહીં.
જાહેરનામામાં વધુમાં જણાવાયું છે કે, મોટર વાહન (રજીસ્ટ્રેશન અને વાહન સ્ક્રેપિંગ કાર્ય) નિયમો-2021 હેઠળ રાષ્ટ્રીય વાહન સ્ક્રેપેજ નીતિ અંતર્ગત આવા વાહનોનો નિકાલ તેમજ વાહનના પ્રારંભિક રજીસ્ટ્રેશનની તારીખથી 15 વર્ષ પૂરા થયા થઈ ગયા છે, તે બાબતોને સુનિશ્ચિત કરવી જોઈએ. કેન્દ્રીય બજેટ 2021-22માં જાહેર કરાયેલી આ નીતિમાં ખાનગી વાહનો માટે 20 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટની જોગવાઈ છે, જ્યારે કોમર્શિયલ વાહનો માટે 15 વર્ષની જોગવાઈ છે.
પહેલી એપ્રિલ 2022થી અમલમાં આવેલ નવી નીતિ હેઠળ કેન્દ્રએ કહ્યું છે કે, જુના વાહનોને સ્ક્રેપ કર્યા બાદ ખરીદવામાં આવેલા વાહનો પર લાગુ પડતા રોડ ટેક્સમાં 25 ટકાની છુટ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો આપશે. ગત વર્ષે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, તેમનો હેતુ તમામ શહેરો અને કેન્દ્રથી 150 કિલોમીટરની અંદર ઓછામાં ઓછું એક ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ સુવિધા વિકસાવવાનો છે. ઉપરાંત તેમણે દાવો કરતા કહ્યું હતું કે, દેશમાં સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રનું વાહન સ્ક્રેપિંગ હબ બનવાની ક્ષમતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં રાષ્ટ્રીય વાહન સ્ક્રેપેજ નીતિ શરૂ કરી હતી અને કહ્યું હતું કે, આ નીતિ અનફિટ અને પ્રદૂષણ કરતા વાહનોને તબક્કાવાર રીતે હટાવવામાં મદદ કરશે અને સર્ક્યુલર અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપશે.