Today Gujarati News (Desk)
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ વિરુદ્ધ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાઈ હતી. પ્રચંડ વિરુદ્ધના મામલામાં દાયકાઓ સુધી ચાલેલા વિદ્રોહ દરમિયાન 5000 લોકોના મોતની જવાબદારી સ્વીકારવા બદલ તેમની ધરપકડની સાથે તપાસના આદેશ આપવાની માંગ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના સૂત્રો મુજબ, એડવોકેટ જ્ઞાનેન્દ્ર અરન અને માઓવાદી ઉગ્રવાદના અન્ય પીડિતો દ્વારા મંગળવારે પીટીશન દાખલ કરાઈ હતી.એડવોકેટ જ્ઞાનેન્દ્ર અરન અને કલ્યાણ બુઢાઠોકી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં માંગણી કરાઈ હતી કે, પ્રચંડના નિવેદનની તપાસ કરવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. આ બંને એ દાયકાની હિંસાનો ભોગ બન્યા છે.CPN (માઓવાદી સેન્ટર)ના અધ્યક્ષ ‘પ્રચંડ’એ વર્ષ 2020ની 15મી જાન્યુઆરીએ કહ્યું હતું કે, એક દાયકા સુધી માઓવાદી આંદોલન ચલાવનાર માઓવાદી પક્ષના નેતા હોવાના કારણે તેઓ 5000 લોકોના મોતની જવાબદારી લેશે અને બાકીની જવાબદારી સરકારે લેવી જોઈએ. પ્રચંડે માઘ ઉત્સવને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, તેમના પર 17,000 લોકોના મોતનો આરોપ છે, જે સાચો નથી. જોકે હું સંઘર્ષ દરમિયાન 5,000 લોકોના મોતની જવાબદારી લેવા તૈયાર છું. તેમણે કહ્યું કે બાકીની 12,000 હત્યાઓની જવાબદારી સામંત સરકારે લેવી જોઈએ.તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ મામલાથી ભાગી રહ્યા નથી, પરંતુ તેમણે જે કર્યું નથી, તેવી બાબત પર લોકોએ તેમને દોષ આપવો ન જોઈએ. ઉલ્લેખનિય છે કે, પ્રચંડે ‘જનયુદ્ધ’ના નામે એક દાયકા સુધી સશસ્ત્ર સંઘર્ષ કર્યો હતો. જે અંગે મંગળવારે યોજાયેલી માઓવાદી નેતાઓની બેઠકમાં 3 મુદ્દા પર નિર્ણય લેવાયો હતો, જેમાં વિરોધ અને શાંતિ સમજૂતી વિરુદ્ધ કોઈપણ ગતિવિધિનો સામનો કરવાનો સમાવેશ થાય છે.