Today Gujarati News (Desk)
ભારતીય પોલીસ સેવા(IPS)ના એક અધિકારીનો બિઝનેસમેન પાસેથી પૈસા માગવાનો જૂનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર સામે નિશાન તાકતા સવાલ કર્યો કે શું તે આ અધિકારી પર બુલડોઝરની કાર્યવાહી કરશે?
વીડિયો સામે આવ્યા બાદ સંબંધિત અધિકારી સામે તપાસના આદેશ અપાયા હતા. આઈપીએસ અધિકારી અનિરુદ્ધ સિંહનો એક કથિત વીડિયો રવિવારે વાઈરલ થયો હતો જેમાં તે વીડિયો કોલ પર કોઈની પાસેથી 20 લાખની વ્યવસ્થા કરી આપવા કહેતા દેખાય છે. આ વીડિયો એ સમયનો બતાવાઈ રહ્યો છે જ્યારે તે મેરઠ જિલ્લામાં તહેનાત હતા. જોકે મેરઠ પોલીસે ટ્વિટર પર જવાબમાં કહ્યું કે આ વીડિયો બે વર્ષથી વધુ જૂનો છે અને તેને મેરઠ સાથે કોઇ લેવા દેવા નથી. આ મામલે તપાસ પૂરી કરી લેવાઇ છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલે સરકારને ઘેરતા ટ્વિટ કરી કે યુપીમાં એક આઈપીએસ દ્વારા કરાતી વસૂલીનો આ વીડિયો સામે આવ્યા બાદ શું બુલડોઝરની દિશા તેમની તરફ ફેરવવામાં આવશે કે પછી ફરાર આઈપીએસની યાદીમાં વધુ એક નામ ઉમેરી સંલિપ્ત ભાજપ સરકાર આ મામલો પણ રફે-દફે કરી દેશે. તેમણે ૧૦ સેકન્ડનો એક વીડિયો શેર કરી કહ્યું કે યુપી પ્રજા જોઈ રહી છે કે આ છે ગુનાખોરી પ્રત્યે ભાજપના જુઠ્ઠા ટોલરન્સનું સત્ય.