Today Gujarati News (Desk)
મુરબ્બોનું નામ સાંભળતા જ સૌથી પહેલા મનમાં ખાવાની વસ્તુ યાદ આવે છે પરંતુ ન્યૂ મુરબ્બા-એ કોઈ ખાવાની વસ્તુ નથી. આ વિશ્વની સૌથી દુર્લભ વસ્તુ હોઈ શકે છે. આ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. વાસ્તવમાં ન્યૂ મુરબ્બા સાઉદીનું સૌથી મોટું આધુનિક શહેર હશે. સાઉદી અરેબિયાએ તેને બનાવવાની જાહેરાત કરી છે. તેની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. આ શહેર કેવું હશે અને તેમાં કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે તેનો સંપૂર્ણ વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ શહેર સંપૂર્ણપણે લોકોની કલ્પના બહારનું હશે. તેમાં એકથી વધુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. સાઉદી અરેબિયાનો પ્રોજેક્ટ મુકાબ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતાં 20 ગણો મોટો હશે. સાઉદી વિઝન 2030નો ઉદ્દેશ્ય રિયાધમાં વિશ્વનું સૌથી મોટું આધુનિક શહેર વિકસાવવાનું છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં સાઉદી અરેબિયા એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રાજધાની રિયાધની મધ્યમાં ન્યૂ મુરબ્બા નામનું હાઇટેક શહેર બનાવવાનો નિર્ણય લીધો છે. આ શહેરનો વિકાસ કેવી રીતે થશે? તેમાં શું સુવિધાઓ ઉપલબ્ધ થશે. તે કેવી રીતે દેખાશે? ચાલો તમને જણાવીએ.ન્યૂ મુરબ્બા ડેવલપમેન્ટ કંપની આ પ્રોજેક્ટનું નિર્માણ કરશે. રિપોર્ટ અનુસાર, નવો પ્રોજેક્ટ 19 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં બનાવવામાં આવશે, તેમાં 104,000થી વધુ રહેણાંક એકમો, નવ હજાર હોટલ રૂમ અને 980,000 ચોરસ મીટરથી વધુ રિટેલ વિસ્તાર હશે. આ હાઈટેક સિટીના મોટા ભાગમાં ઓફિસ સ્પેસ ડેવલપ કરવામાં આવશે. સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ અનુસાર મુકાબ 20 એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગો ધરાવી શકે તેટલો મોટો હશે. મુકાબનો અર્થ અરબીમાં ક્યુબ એટલેકે ધન થાય છે. ડેવલપર્સના જણાવ્યા અનુસાર આ વિશ્વનું સૌથી મોટું ઇન્ડોર શહેર હશે.