Gujarat News: ભાવનગરના પાનવાડી ચોક પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે ૩૩.૯૩ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પિતા-પુત્રી સહિત ચાર જણને ઝડપી લીધા હતા. જે તમામને ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજૂ કરી ત્રણ પેડલરના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે રિક્ષાચાલક શખ્સને જેલહવાલે કરી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી ભાવનગરમાં લાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સોમવારે વહેલી સવારના સમયે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે પાનવાડી ચોક પાસે વોચ ગોઠવી રિક્ષા નં.જીજે.૦૪.એયુ.૪૮૨૪માં સવારે રિક્ષાચાલક શખ્સ ઈબ્રાહીમ હુસેનભાઈ સિદ્દી, તેની પુત્રી સનાબેન મોહસીનખાન રોહિલા, રાહિલ ઉર્ફે સેહજાદ અબ્દુલભાઈ ડેરૈયા અને તેની ભાવિ પત્ની કનીઝફાતેમા ઉર્ફે સુમયાબેન હસનમિયા મૌલાખેલા સૈયદને ૩૩૯.૩૯ ગ્રામ નાર્કોટીક્સ મેફેડ્રોન ડ્રગ્સ (રૂા.૩૩,૯૩,૭૦૦), અતુલ રિક્ષા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, આરસી બુક, પાંચ મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા યુવતી, શખ્સ અને મહિલાએ મુંબઈના નાકુદા મોહલ્લા, મહમદઅલી રોડ, દરગાહ પાસે, મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સ ખરીદી ભાવનગરમાં ગ્રાહકોને વેચવા માટે લાવ્યાની કબૂલાત આપી હતી.
જેના આધારે એસઓજી પીએસઆઈ મકવાણાએ ચારેય વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮ (સી), ૨૨ (સી), ૨૯ મુજબ ગુનો નોંધાવતા આગળની તપાસ એલસીબી પીએસઆઈ વી.વી. ધ્રાંગુએ હાથ ધરી ડ્રગ્સ સાથે ઝડપાયેલા માતા-પુત્ર, યુવતી અને શખ્સને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં રિક્ષાચાલક વૃદ્ધ શખ્સ ઈબ્રાહીમ સિદ્દીનો રોલ રિક્ષામાં બેસાડી ઘર સુધી લઈ જવાનો હોય, તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ પેડલર સનાબેન રોહિલા, રાહિલ ઉર્ફે સેહજાદ ડેરૈયા અને કનીઝફાતેમા ઉર્ફે સુમયાબેન મૌલાખેલા સૈયદના સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસ (તા.૧૪-૩) સુધીના રિમાન્ડ મંજૂર કર્યાનું તપાસનીસ અધિકારી પીએસઆઈ વી.વી. ધ્રાંગુએ જણાવ્યું હતું.