લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાની ૪૯ બેઠકો પર ૫૮ ટકાથી વધુ મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં હિંસાની કેટલીક ઘટનાઓ અને ઇવીએમ ખરાબ થવાની ફરિયાદો વચ્ચે શાંતિપૂર્વક મતદાન યોજાઇ ગયું હતું. દરમિયાન ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં વિવિધ પડતર માગણીઓને લઇને આશરે બે હજારથી વધુ ગામવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેને કારણે આ વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓ મતદારોની બૂથ પર રાહ જોઇ રહ્યા હતા પણ કોઇ મત આપવા આવ્યું નહોતું.
મહારાષ્ટ્રમાં સૌથી ઓછુ ૫૦ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૩ ટકા મતદાન થયું હતું. બિહારમાં ૫૨.૫૫ ટકા, જમ્મુ કાશ્મીરમાં ૫૯ ટકા, ઝારખંડમાં ૬૩ ટકા, ઓડિશામાં ૬૦.૭૨ ટકા, ઉત્તર પ્રદેશમાં ૫૭.૪૩ ટકા જ્યારે લદ્દાખમાં ૬૭.૧૫ ટકા મતદાન થયું હતું. સાંજે સાત વાગ્યા સુધીનો આ આંકડો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે છ વાગ્યા સુધી અનેક સ્થળે મતદારો લાઇનમાં હોવાથી મતદાનની ટકાવારી વધી શકે છે.
જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં અત્યાર સુધીનું સૌથી વધુ ૫૯ ટકા મતદાન થયું હતું. આ બેઠક પરથી જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે પાંચમાં તબક્કામાં રાયબરેલીથી રાહુલ ગાંધી, અમેઠીથી સ્મૃતિ ઇરાની, લખનઉથી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ઉત્તર મુંબઇથી પિયુષ ગોયલબિહારના હાજીપુરથી ચિરાગ પાસવાન ચૂંટણી લડી રહ્યા છે. ૬ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ૪૯ બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું.
જોકે પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળે ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બપોરે ૧ વાગ્યા સુધીમાં ઇવીએમ ખરાબ થવાની તેમજ એજન્ટોને મથકોમાં પ્રવેશતા અટકાવવાની ૧૪૦૦ ફરિયાદો મળી હતી. આરમગઢમાં બે ક્રૂડ બોમ્બ મળી આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે ઇવીએમ ખરાબ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો સાથે દાવો કર્યો હતો કે ભાજપ રાહી વિસ્તારમાં મતદારોને મતદાન કરતા અટકાવી રહી છે. સપાએ પણ અનેક બૂથ પર ભાજપ સામે કેપ્ચરિંગની ફરિયાદો કરી હતી. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ દાવો કર્યો હતો કે અનેક મતદાન મથકો બહાર મતદારો માટે કોઇ જ સુવિધા ઉભી નથી કરાઇ. હવે ૨૫મી મેના રોજ છઠ્ઠા અને ૧ જુનના રોજ અંતિમ અને સાતમા તબક્કા માટે મતદાન થશે. જ્યારે ૪ જુનના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.બંગાળમાં અનેક વિસ્તારોમાં ટીએમસી-ભાજપના કાર્યકર્તા વચ્ચે હિંસા, બે ક્રૂડ બોમ્બ જપ્ત
મમતાના ભાઇનું યાદીમાં નામ ના હોવાથી મત ના આપી શક્યા
પશ્ચિમ બંગાળમાં ઇવીએમ ખરાબ થવાથી લઇને મતદાર યાદીમાં નામ ન હોવાની અનેક ફરિયાદો મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ભાઇ બાબુન બેનરજીનું નામ મતદાર યાદીમાં નહોતુ જેને કારણે તેઓ મત નહોતા આપી શક્યા. હાવડાના મતદાર બાબુન બેનરજી સાથે બનેલી આ ઘટના અંગે માહિતી આપતા ટીએમસીના પ્રવક્તા શાંતનુ સેને જણાવ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા ચૂંટણી પંચના હાથમાં હોવાથી તે જ આ ગેરરીતિ અંગે જવાબ આપી શકે તેમ છે. મમતા બેનરજી અને તેમના ભાઇ બાબુન બેનરજી વચ્ચે તાજેતરમાં ટિકિટને લઇને વિવાદ સામે આવ્યો હતો, એવા અહેવાલો હતા કે બાબુન બેનરજી અપક્ષ ચૂંટણી લડી શકે છે. જોકે તેમ નહોતુ જોવા મળ્યું.\