Today Gujarati News (Desk)
કર્ણાટકમાં બેંગ્લુરુ-મૈસુરુ એક્સપ્રેસ વેનું ઉદઘાટન વડાપ્રધાન મોદીએ 6 દિવસે પહેલાં જ કર્યું હતું પણ શુક્રવારે રાતે રાજ્યમાં રામનગર ક્ષેત્રમાં ભારે વરસાદ પડતાં આ હાઈવે જળમગ્ન થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ એક્સપ્રેસ વે 8480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. એક્સપ્રેસ વેના અંડરબ્રિજમાં આ રીતે પાણી ભરાઈ જવાથી અનેક અકસ્માત પણ સર્જાયા હતા. જેના લીધે વાહનોએ ધીમી ગતિએ ચાલવું પડ્યું અને હાઈવે પર લાંબા સમય સુધી ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. ગત વર્ષે પણ આ અંડરબ્રિજમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી.
એક મુસાફરની તો અડધી ગાડી ડૂબી ગઈ
જોકે આ પાણી ભરાઇ જવાની સ્થિતિને કારણે અકસ્માતો સર્જાતા કે વાહનોને નુકસાન થવાથી કેટલાક યાત્રીઓ અકળાયા હતા. તેમણે મુખ્યમંત્રી બી.એસ.બોમ્મઈ અને વડાપ્રધાન મોદી સમક્ષ નારાજગી ઠાલવી હતી. એક મુસાફરે કહ્યું કે મારી કાર પાણીથી ભરેલા અંડરબ્રિજમાં અડધી ડૂબી ગઈ હતી અને પાછળથી આવતા એક ટ્રકે મારી કારને ટક્કર મારી દીધી. હવે તેના માટે જવાબદાર કોણ? યાત્રીઓ અકળાયા, સીધા પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીને ઘેર્યા
પીએમ મોદીએ જ આ એક્સપ્રેસ વેનું ઉદઘાટન કર્યું હતું. શું તેમને માર્ગ અને પરિવહન મંત્રાલય પાસે તપાસ કરાવી હતી કે આ એક્સપ્રેસ વે ઉદઘાટન માટે તૈયાર છે કે પણ નહીં? શું વોટબેન્કની રાજનીતિ માટે અમારે ભોગવવાનું? અન્ય એક અકળાયેલા એક મુસાફરે કહ્યું કે દુર્ઘટનાઓના ભોગ બનનારા વાહનોમાં સૌથી પહેલા મારું વાહન હતું. તેણે કહ્યું કે હવે તેના માટે જવાબદાર કોણ? જો પીએમ આવ્યા હોત તો તંત્રએ 10 જ મિનિટમાં આ પાણી સાફ કરી નાખ્યું હોત. મારા વાહન પછી સાતથી 8 અકસ્માત થયા. પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી કરાઈ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 12 માર્ચે જ 118 કિ.મી. લાંબા આ બેંગ્લુરુ-મૈસુરુ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું હતું.