Today Gujarati News (Desk)
આજે રાજ્યના 445 કેન્દ્રો પર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે વહીવટી તંત્ર સજ્જ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો લાંબા સમયથી આ ઘડીની રાહ જોતા હતા. આજે રાજ્યભરમાં TET-1ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્યના 445 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અંદાજે 87 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષક બનવા માટે ફરજિયાત TETની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે.
રાજ્યના 4 મહાનગરોમાં આ પરીક્ષા યોજાવાની છે. વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થશે. આ ટેક્નોલોજી મારફતે પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમથી તમામ શહેર અને વર્ગખંડ સુધી જીપીએસ સિસ્ટમના દાયરામાં પહોચશે. પ્રશ્નપત્રના સમગ્ર રૂટ પર પેપર બોક્સ ઓથેન્ટિકેશન ટ્રેકિંગ એપ્લિકેશન( PATA) મારફતે નજર રખાશે. એટલું જ નહીં સ્ટ્રોંગ રૂમથી પ્રશ્નપત્ર નીકળે ત્યારે અને કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધીના ફોટોગ્રાફ પણ એપ્લિકેશનમાં અપલોડ થશે.
આ અંગે માહિતી આપતા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો મહિનાઓથી આ પરીક્ષાની રાહ જોતા હતા. શિક્ષક બનવા માટે TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટ TET-1 આજે યોજાવાની છે. રાજ્યમાં TET-1ની પરીક્ષા 445 કેન્દ્રો પર લેવાશે. જેમાં અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.