ગુજરાતનો 1600 કિમીનો દરિયાકિનારો જાણે ડ્રગ્સ, આતંકવાદી પ્રવૃત્તિ અને ભેદી બોટોની અવરજવરનું માધ્યમ બની ગયો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સલાયા, દ્વારકા-ઓખા સહિતના દરિયાકાંઠાથી હજારો કિલો ડ્રગ્સ પકડાયું છે. ભૂતકાળમાં અહીં જ RDX લેન્ડ થયું હતું, જેનો મુંબઈ બ્લાસ્ટમાં ઉપયોગ કરાયો હતો. હવે ડ્રગ્સનું દૂષણ વધ્યું છે, જેને ઘુસાડવા સૌરાષ્ટ્રના રણીધણી વિનાના દરિયાકિનારાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. અત્યારસુધીમાં દરિયાકાંઠાનાં દુર્ગમ સ્થળોએ ચોક્કસ સમુદાયની અસંખ્ય કોલોનીઓ બની ગઈ, જેનો સરકારને અંદાજ સુધ્ધાં ન આવ્યો. આ કારણથી જ હવે સફાળી જાગેલી સરકારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મેગા ડિમોલિશન હાથ ધર્યું છે.
સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ગેરકાયદે પ્રવૃત્તિ માટે પંકાયેલો
ગુજરાતમાં કુલ 1600 કિમી દરિયાઇ વિસ્તાર આવેલો છે, તેમાં 834 કિમી દરિયાઇ વિસ્તાર સૌરાષ્ટ્ર-કચ્છમાં છે, પરંતુ આ વિસ્તારનું કોઈ રણધણી જ ન હોય તેમ અવારનવાર અહીં બેરોકટોક ગેરકાયદે પ્રવૃત્તિઓ થાય છે. બોમ્બબ્લાસ્ટનું RDX કનેક્શન હોય, ડ્રગ્સનો કાળો કારોબાર હોય કે પછી આતંકવાદી પ્રવૃત્તિ, દરિયાઈપટ્ટી ઈન્વોલ્વ જ હોય. આવી તમામ ગુનાઈત પ્રવૃત્તિ માટે સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયોકિનારો વર્ષોથી પંકાયેલો છે.
ડ્રગ્સ માટે સૌરાષ્ટ્રનો દરિયો ટ્રાન્ઝિટ પોઈન્ટ
ઈન્ટરનેશનલ ડ્રગ્સમાફિયા છેલ્લાં ઘણાં વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છના રેઢા પડેલા દરિયાકિનારાનો ડ્રગ્સના ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે, સાથે જ અલગ અલગ સુરક્ષા એજન્સીઓએ કરેલા રિપોર્ટના આધારે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. ઓખાના દરિયામાં આવેલા બેટ દ્વારકાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં બેફામ થયેલી પેશકદમી દેશની સુરક્ષા વ્યવસ્થા માટે પણ જોખમી બની શકે એવી ઉચ્ચ કક્ષાએ ફરિયાદો થઈ હતી. આના આધારે સર્વે થતાં સરકાર ચોંકી ગઈ અને અંતે શનિવારે સવારથી કાચાં-પાકાં મકાનો અને દુકાનો સહિતનાં સંદિગ્ધ બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેમાં 4 દિવસ સુધી કુલ 1.10 લાખથી વધુ ચોરસફૂટ જગ્યામાં ડિમોલિશન કરાયું હતું.
રેન્જ IG-SP સહિતના અધિકારીઓ રૂબરૂ હાજર રહ્યા
રાજકોટ રેન્જ IG સંદીપસિંહને જ આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના માર્ગદર્શનમાં દ્વારકાના SP નિતેશ પાંડેયે જાતે દરિયાકાંઠે ગેરકાયદે બાંધકામનો સર્વે કર્યો હતો. બાદમાં ગત શનિવારે સવારથી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં સરકારી જમીન ઉપરનાં દબાણો દૂર કર્યા હતા. સમગ્ર વિસ્તારમાં Dysp, PI, PSI સહિતનો પોલીસકાફલો ઉતારી દેવાયો હતો. બાદમાં શનિવારે વહેલી સવારથી સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલાં મકાનો, વંડા તથા દુકાનો પર JCB દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.