માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નોરતાં. આજે નવલાં નોરતાંનું ત્રીજું નોરતું છે. ત્યારે રાજકોટમાં એક એવી ગરબી છે, જેમાં ભારતીય સંસ્કૃતિનાં આબેહૂબ દર્શન થાય છે. આ ગરબામાં ભાગ લેવા માટે ખેલૈયાઓએ ઓડિશન આપવું પડે છે અને જો એમાં સિલેકશન થાય તો જ એમાં ગરબા રમવા મળે. આ ગરબીનું નામ ગેલેક્સી ગ્રુપ (GGM) છે, જેની 27 વર્ષથી બોલબાલા છે. ગઈકાલે બીજા નોરતે ગેલેક્સી ગ્રુપની ગરબીમાં યુવતીઓએ છૂટા વાળ રાખી ભુવા રાસ લીધા હતા. આ રાસથી ઉપસ્થિત સૌકોઈ અચંબામાં પડી ગયા હતા અને સાક્ષાત્ નવચંડીનાં દર્શન થયાં હોય એવો માહોલ જોવા મળ્યો હતો તેમજ યુવકોએ કેડિયું પહેરી રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.GGMના રીના હિંડોચાએ જણાવ્યું હતું કે GGMનું આયોજન 1995થી થાય છે. ગેલેક્સી ગ્રુપ અને SNK ગ્રુપનો આમાં ફાળો હોય છે. આ બન્ને ગ્રુપની મદદથી આખું GGM ગ્રુપ ઊભું થયું છે. આમાં પ્રાઇમરીથી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લે છે. સ્ટુડન્ટ્સની માતાઓ પણ ભાગ લેવા આગ્રહ કરી રહી છે. આ વખતે મધર્સનું મોટું ગ્રુપ છે. GGM મારા માટે બહુ જ મોટી તક છે. GGMના પાસની તો શોર્ટેજ જ હોય છે. હજુ ત્રણ ગણી કેપેસિટી કરું તોપણ જગ્યા ટૂંકી પડે અને ખેલૈયાઓની સંખ્યા પણ વધે, પણ આ બધું મેનેજ કરવું અઘરું પડી જાય છે, પણ આટલું કરવું એ મારા માટે ખુશી છે. આટલું કરીએ છીએ એ અમારા માટે માતાજીની ભક્તિ જ કહેવાય અને આ જ સંસ્કૃતિ કહેવાય.રીના હિંડોચાએ વધુમાં જણાવ્યું હતું કે આજે જે નવરાત્રિ થાય છે એમાં વેસ્ટર્ન અને ડિસ્કો-દાંડિયાનું પ્રમાણ વધી ગયું છે, પરંતુ અમે ડિસ્કો-દાંડિયાને ક્યારેય પ્રાધાન્ય આપ્યું નથી. એનું મેઈન કારણ એ છે કે બહારનું કલ્ચર વધી રહ્યું છે અને આપણું કલ્ચર ભુલાઈ ગયું છે, આથી આપણું કલ્ચર જાળવી રાખવા અમારા સરનો મેઈન ઉદ્દેશ હોય છે. અમારી પાસે ડાન્સ શીખવતી આખી ટીમ છે. પ્રી-પ્રાઈમરીના 34 ટીચર છે, જે સ્કૂલના સમયે જ પ્રેક્ટિસ કરાવે છે. અઠવાડિયામાં દરેક વાર મુજબ ગ્રુપનાં નામ છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે ઓડિશનમાં જેટલાં બાળકો આવ્યાં હોય એમાંથી 50 ટકા જ સિલેક્ટ થાય છે. આનું સિલેક્શન જુલાઈ મહિનાથી શરૂ કરવામાં આવે છે. સિલેક્શન પ્રક્રિયા બપોરના 2 કે 2.30 વાગ્યાથી લેટ નાઈટ સુધી કરવામાં આવે છે. આમ કહીએ તો બેક સ્ટેજ જે ટીમ સતત ત્રણ મહિનાથી આમાં લાગી જાય છે. જોવા આવતા લોકો માટે પાસ હોય છે, પણ એનો કોઈ ચાર્જ રાખતા નથી, કારણ કે લોકો આવે એ અમારો મેઈન હેતુ છે, આથી આપણું જે કલ્ચર છે તેના તરફ વાળવા અમારો પ્રયાસ છે, આથી કોઈપણ જાતની ફી વગર પાસ સિસ્ટમ રાખી છે. રોજ ત્રણ શો હોય છે. એક શોમાં સાડાત્રણથી ચાર હજારની સીટિંગ વ્યવસ્થા છે. આમ રોજના 11થી 12 હજાર પાસનું વિતરણ થાય છે. એમ છતાં પાસની શોર્ટેજ રહે છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |