સ્નાન કરવા બાબતે જ્યોતિષશાસ્ત્રની સાથે સાથે વાસ્તુશાસ્ત્રમાં પણ જાણકારી આપવામાં આવી છે. જો તમે યોગ્ય દિશામાં ઘરનું બાથરૂમ ન બનાવડાવો અને યોગ્ય દિશામાં સ્નાન ન કરો, તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઇ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, યોગ્ય દિશામાં ઉભા રહીને સ્નાન કરવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ઉજળું થઇ શકે છે. યોગ્ય દીધા તરફ મોઢું રાખીને નહાવાથી ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે. વાસ્તુ નિષ્ણાંતોનું માનવું છે કે, જો તમે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સ્નાન કરો છો તો તમારી દરેક મુશ્કેલી અને સમસ્યાઓ પાણીમાં વહી જાય છે. ત્યારે અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બાથરૂમને લગતું વાસ્તુ કેવી રીતે તમારી સમસ્યાઓ દૂર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ દિશાને સૂર્ય દેવની દિશા માનવામાં આવે છે. સૂર્યોદય સમયે સૂર્ય પોતાની સાથે સકારાત્મક ઉર્જા લઈને આવે છે. ત્યારે સવારે આ દિશા તરફ મોઢું રાખીને સ્નાન કરવાથી લાભ થાય છે. પરિણામે સકારાત્મક ઉર્જા તમારા શરીરની બધી જ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. તેની સીધી અસર તમારા જીવન પર પડે છે અને તમે સુખી રહો છો.
બાથરૂમ સાથે જોડાયેલા વાસ્તુ નિયમો
- વાસ્તુના નિયમો અનુસાર, તમારા ઘરનું બાથરૂમ ઉત્તર અથવા તો ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જરૂરી છે.
- બાથરૂમ ક્યારેય દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ. નહીંતર વ્યક્તિને નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડી શકે છે.
- વાસ્તુ નિષ્ણાંતો અનુસાર, બાથરૂમ ક્યારેય રસોડાની સામે અથવા તો રસોઇઘરને અડીને ન બનાવવું જોઈએ.
- બાથરૂમમાં રહેલી ટોયલેટ સીટ પશ્ચિમ અથવા તો ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવી જોઈએ.
- બાથરૂમમાં રાખેલ ટબ અથવા ડોલને હંમેશા પાણીથી ભરેલા રાખવા જોઈએ. જો ડોલમાં પાણી ન ભરેલું હોય તો તેને ઉંધી કરીને મૂકવી જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ યથાવત રહેશે.
- બાથરૂમ સાથે સંબંધિત વાસ્તુમાં વાદળી રંગનું ખાસ મહત્વ રહેલું છે. વાદળી રંગ ખુશીનું પ્રતીક હોવાથી બાથરૂમમાં ટબ અને ડોલ વાદળી રંગનું રાખવું જોઈએ.
- બાથરૂમના દરવાજાને હંમેશા બંધ રાખવો જોઈએ. જો બાથ રૂમનો દરવાજો ખુલ્લો રહે તો તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી તમારા કરિયરમાં સમસ્યાઓ આવી શકે છે.