તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થવાના સમાચાર છે. આ ઘટના તેલંગાણાના મેડક જિલ્લામાં બની હતી. દુર્ઘટના સમયે વિમાનમાં એક ટ્રેઈનર પાઈલટ અને ટ્રેઈની પાઈલટ હાજર હતા. આ અકસ્માતમાં બંને પાયલોટના મોત થયા છે.
વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનર વિમાને તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી સવારે ઉડાન ભરી હતી. જે બાદ સવારે 8.55 વાગ્યે પ્લેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સામેલ વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું.
એરફોર્સે જણાવ્યું કે ટ્રેનર એરક્રાફ્ટ રૂટીન ફ્લાઈટ પર હતું. આ દુર્ઘટનામાં બંને પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. આ દુર્ઘટનામાં કોઈ નાગરિક કે જાનમાલને નુકસાન થયું નથી. એરફોર્સે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.
આ પહેલા જાન્યુઆરીમાં પણ ભારતીય વાયુસેનાના બે વિમાનો અકસ્માતનો ભોગ બન્યા હતા. મધ્યપ્રદેશના મોરેનામાં થયેલા આ અકસ્માતમાં ભારતીય વાયુસેનાના બે ફાઈટર પ્લેન ક્રેશ થયા હતા, જેમાં એક પાઈલટનું મોત થયું હતું. આ વિમાનો રૂટિન ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ મિશન પર પણ હતા.