અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વિપક્ષીય બાબતો પર વાતચીત માટે નવી દિલ્હી પહોંચ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે મુખ્ય નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ફાઇનર ભારતના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્રી સાથે ICETની સમીક્ષા કરશે. જ્હોન ફાઈનર ભારતીય નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્રી સાથે યુએસ-ઈન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET) ની આંતર-સત્રીય સમીક્ષા માટે 4 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ICET એ યુએસ-ભારત ભાગીદારીમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જે વ્યૂહાત્મક સુરક્ષા અને ટેકનોલોજી સહકાર દ્વારા વધુને વધુ વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
અમેરિકન ધરતી પર હત્યાના કથિત પ્રયાસનો કેસ
તાજેતરમાં, યુએસ ન્યાય વિભાગે નિખિલ ગુપ્તા નામના ભારતીય પર એક શીખ અલગતાવાદી નેતાની હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો હતો. યુએસએ 52 વર્ષીય નિખિલ ગુપ્તા પર એક શીખ અલગતાવાદીની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારત સરકારના કર્મચારી સાથે સહયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.
જોકે યુએસએ આરોપોમાં શીખ અલગતાવાદી નેતાનું નામ લીધું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુનું નામ સામે આવ્યું છે. ભારતે અમેરિકાને કહ્યું કે તેણે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે જે આરોપોની તપાસ કરશે.
ભારતની તપાસ સમિતિ વિશે અમેરિકાએ શું કહ્યું?
વ્હાઇટ હાઉસે કહ્યું, ‘ફાઇનરે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘાતક ષડયંત્રની તપાસ કરવા અને જવાબદાર ગણાતા લોકોને જવાબદાર ઠેરવવા માટે ભારત દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના મહત્વને સ્વીકાર્યું.’ આ સિવાય બંને દેશો વચ્ચે વધુ સારા સંકલન જેવા મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવા માટે ફાઇનર એમ્બેસેડર મિસ્રી, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ વિનય ક્વાત્રા સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક પરામર્શ કર્યા. તેઓએ હિંદ પ્રશાંત મહાસાગર અને મધ્ય પૂર્વની ઘટનાઓના સંદર્ભમાં ચર્ચા કરી.