નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફરી એકવાર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. શુક્રવારે ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં કેજરીવાલને 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઇ પણ કેજરીવાલને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા નહોતા જ્યારે કેજરીવાલ 10 દિવસની વિપશ્યના માટે પંજાબ ગયા હતા. હવે EDએ સીએમ કેજરીવાલને ત્રીજું સમન્સ જારી કર્યું છે અને તેમને 3 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 21 ડિસેમ્બરે દિલ્હીના મુખ્ય પ્રધાન ED સમક્ષ હાજર થવાના હતા. જો કે તે પહેલા તેઓ 10 દિવસના વિપશ્યના કેમ્પ માટે રવાના થયા હતા. ગુરુવારે ઇડીના સમન્સનો જવાબ આપતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે રાજનીતિથી પ્રેરિત છે. હું દરેક કાયદાકીય સમન્સનું પાલન કરવા તૈયાર છું, પરંતુ આ અગાઉના સમન્સની જેમ જ આ સમન્સ પણ ગેરકાયદેસર છે.
ખાસ વાત એ છે કે અત્યાર સુધી ઈડીએ મોકલેલા બે સમન્સ પર અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા નથી. આમ આદમી પાર્ટીનો એવો દાવો છે કે ED દ્વારા તપાસ કરાવીને પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને રોકવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે ED આ કેસની બે વર્ષથી તપાસ કરી રહી છે.
આ વર્ષે 16 એપ્રિલે EDએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ જારી કર્યા હતા, પરંતુ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. આ પછી, 18 ડિસેમ્બરના રોજ EDએ તેમને ફરીથી સમન્સ જારી કર્યા અને તેમને 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું, પરંતુ સીએમ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નહીં.